સાયકલોનને કોઇ નામ પણ અપાયું નથી : ચિંતાની વાત નથી : છતાં માછીમારો માટેની ચેતવણી યથાવત
છેલ્લા ત્રણ દિવસથી ગુજરાત પર આગામી તા.રપ બાદ વાવાઝોડાની અસર થશે તેવા અહેવાલો છે. બંગાળની ખાડીમાં એક સાયક્લોન સક્રિય થઈ રહ્યુ છે જે આવતીકાલે એટલે કે 22 મેથી લો પ્રેશરમાં ફેરવાશે. પરંતુ હાલ કોઇ વાવાઝોડાના એંધાણ હવામાન વિભાગે જાહેર કર્યા નથી.
બંગાળની ખાડીમાં જે સાયક્લોન સક્રિય થયું છે તેનું હાલમાં કોઈ નામ આપવામાં આવ્યું નથી. કારણ કે, આગામી દિવસોમાં તેની સક્રિયતા અને ગતિ બાદ તે કઈ દિશામાં આગળ વધશે તે નક્કી કરીને જો આ સાયક્લોન વાવાઝોડામાં પરિણમે તો તેનું નામકરણ થશે. હાલ પૂરતું તો વાવાઝોડાના કોઈ એંધાણ હવામાન વિભાગે દર્શાવ્યા નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, તા.22 આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. તે શરૂઆતમાં ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે અને 24 સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે.
આ સાયક્લોન સક્રિય થતાં પહેલાં ભારતના તટીય વિસ્તારમાં અગમચેતીના ભાગરૂપે હવામાન વિભાગ દ્વારા સાવચેતીના પગલા સૂચવવામાં આવ્યા છે અને કેટલીક શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 24મી અને 25મી મેના રોજ ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ત્યારબાદ 23 મેની સવારથી મધ્ય બંગાળની ખાડી ઉપર 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
માછીમારોને 23મી મેથી મધ્ય બંગાળની ખાડીમાં અને 24મી મેથી ઉત્તર બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવે છે. દરિયામાં માછીમારોને 23મી મે પહેલા કિનારે પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે. આ તમામ સાવચેતીના પગલાં વચ્ચે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી 5-7 દિવસ માટે બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની કોઈ અસર રહેશે નહીં તેમ જણાવવામાં આવ્યું હતું.