ઘેરથી બહાર ન્હાવા જવાનું કહીને નીકળેલા મોરબીના સાત સગીર અને યુવાન સાથે વિધાતાએ ક્રૂરતા લખી હોય તેમ બે સગીર અને એક યુવાન ગઈકાલે મચ્છુ નદીમાં ડૂબી ગયા બાદ 24 કલાકના સમયગાળામાં ત્રણેયના મૃતદેહ મળી આવતા ભંખોડિયા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે શોકનું મોજું ફરી વળ્યું છે, ગુરુવારે વહેલી સવારે યુવાન બાદ 10 વાગ્યે એક સગીર અને દોઢેક વાગ્યાના અરસામાં ત્રીજા સગીરનો પણ મૃતદેહ મળી આવ્યો હતો.

મોરબીના રોટરીનગરમાં રહેતા પરમાર ચિરાગ તેજાભાઇ (20 વર્ષ), ભંખોડિયા ધર્મેશ ભુપેન્દ્રભાઈ (16 વર્ષ), ભંખોડિયા ગૌરવ કિશોરભાઈ (17 વર્ષ) અને તેમના અન્ય ચાર મિત્રો ઘેરથી બહાર ન્હાવા જવાનું કહીને નીકળ્યા બાદ સાદુળકા નજીક મચ્છુ નદીમાં ન્હાવા પડતા મચ્છુ-2 ડેમમાંથી છોડેલા પાણીના કારણે ભરચક્ક ભરેલી નદીમાં ત્રણ યુવાન ગરક થયા હતા અને બાકીના ચાર મિત્રોના જીવ બચી ગયા હતા.

































































