મોરબી પાસેના નવા સાર્દુળકા ગામ પાસે બનેલી ઘટના : એક જ પરિવારના પિતરાઇ ભાઇઓનો સમાવેશ : 16 થી ર0 વર્ષના યુવાનો ઘરેથી સ્વીમીંગ પુલમાં જવાનું કહીને નીકળ્યા હતા

મોરબી પાસે આવેલા નવા સાર્દુળકા ગામની સીમમાં આવેલ મચ્છુ નદીમાં આજે બપોરે એક જ પરિવારના તરૂણ સહિતના 7 તરૂણ અને યુવાનો એકાએક ડૂબી જતા નાના એવા ગામમાં હાહાકાર મચી ગયો છે. આ પૈકીના ત્રણ તરૂણ અને યુવાન ડૂબી જતા તમામની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

આ ઘટના અંગે મળેલી પ્રાથમિક વિગત મુજબ નવા સાર્દુળકા ગામ પાસે મચ્છુ નદી આવેલી છે. આ નદીમાં આજે 7 તરૂણ અને યુવાનો ન્હાવા પડયા હતા. કૌટુંબિક ભાઇઓ અને મિત્રો ઘરેથી સ્વીમીંગ પુલમાં જવાનું કહીને નીકળ્યા હતા અને બપોરે 1ર વાગ્યા આસપાસ નદીમાં ન્હાવા પડતા દુર્ઘટના સર્જાઇ હતી.

જે ત્રણ યુવાનો પાણીમાં ગરક થઇ ગયા છે તેના નામ ચિરાગ પરમાર (ઉ.વ.ર0), ધર્મેશ ભંખોડીયા (ઉ.વ.16) અને ભંખોડીયા ગૌરવ (ઉ.વ.17) છે. ફાયર બ્રિગેડ તેઓની શોધખોળ ચલાવી રહી છે.

આ ઉપરાંત ભંખોડીયા આર્યન (ઉ.વ.16), ભંખોડીયા જય (ઉ.વ.16), ભંખોડીયા પ્રિતમ (ઉ.વ.17) અને જેનીન ખીમજીભાઇ (ઉ.વ.16)નો બચાવ થયો છે. આ બનાવથી નાના એવા ગામમાં અરેરાટી ફેલાઇ છે.

મચ્છુ-2 ડેમ બે દિવસથી ખાલી કરવામાં આવી રહ્યો છે. તેનું પાણી ભરાતા આ યુવાનો ન્હાવા પડયાનું માનવામાં આવે છે. આ ઘટના અંગે વધુ વિગતો મેળવવામાં આવી છે.

























































