આ વર્ષે ચોમાસા સુધી રાહ જોવાનું જોખમ લઇ શકાય એમ નથી: 730 MCFT જથ્થો મચ્છુ નદીમાં છોડી દેવાશે: છતાં મોરબીમાં પીવાના પાણીની કોઇ ચિંતા નહીં રહે: સિંચાઇ વિભાગ
મોરબી નજીકના મચ્છુ-2 ડેમના 38 દરવાજા પૈકીના પાંચ દરવાજાઓને બદલવાના છે જેથી ડેમમાં હાલમાં જે પાણીનો જળ જથ્થો ભર્યો છે તે નદીમાં છોડીને ડેમને ખાલી કરવા માટેની કામગીરી રવિવારથી શરૂ કરવામાં આવી છે અને આગામી દોઢ મહિનામાં આ ડેમના પાંચ દરવાજા બદલવાના છે જો કે, ગત વર્ષે પણ આ દરવાજા બદલાવવા માટેનું આયોજન કરાયું હતું પરંતુ સરકારમાંથી મંજૂરી આવી ન હતી જેથી કામ કરવામાં આવ્યું ન હતું આ વર્ષે મુખ્યમંત્રીએ કોઈપણ પ્રકારનું જોખમ ન લેવાની અધિકારીને સૂચના આપીને દરવાજા બદલાવી નાખવા માટે આદેશ કરેલ છે પરંતુ વરસાદની આગાહી અને ચોમાસાના આગમન વચ્ચે આ કામ સો ટકા પૂરું થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

ડેમના દરવાજા બદલાવવામાં કામ માટે મોરબી અને માળીયા તાલુકાને 70 દિવસ સુધી પીવાનું પાણી સપ્લાઈ કરી શકાય તેટલું પણ નદીમાં છોડી દેવામાં આવતા દરિયામાં વહી જશે. મોરબી અને માળિયા તાલુકા માટે મચ્છુ બે ડેમ આશીર્વાદ સમાન છે અને આ ડેમમાંથી બંને તાલુકાને પીવા અને સિંચાઈ માટેનું પાણી મળતું હોય છે આ વખતે પણ આગામી ચોમાસા સુધી મોરબીના લોકોને પીવાના પાણી માટેની કોઈ ચિંતા નથી જોકે મચ્છુ બેડેમના 38 પૈકીના પાંચ દરવાજા જોખમી બન્યા હોવાથી તેને બદલાવા માટેની કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે અને આગામી દોઢ મહિનામાં આ પાંચ દરવાજા બદલવા માટેની કામગીરી અમદાવાદના કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી છે તેવું મચ્છુ-2 ડેમના સેક્શન ઓફિસર વી.કે. પટેલ પાસેથી જાણવા મળેલ છે વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, મચ્છુ-2 ડેમમાં 3104 એમસીએફટી પાણીનો જળ જથ્થો સંગ્રહીત થાય છે હાલમાં આ ડેમની અંદર 989 એમસીએફટી પાણીનો જળ જથ્થો ભરેલો છે તેમાંથી ડેમના દરવાજાના રીપેરીંગ કામ માટે થઈને 730 એમસીએફટી કરતાં વધુ પાણીનો જથ્થો મચ્છુ નદીમાં છોડી દેવામાં આવશે.

મચ્છુ-2 ડેમમાંથી પાણીનો જળ જથ્થો છોડવા પહેલા મોરબી અને માળિયા તાલુકાના 34 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને સલામતીના ભાગરૂપે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ પણ મચ્છુ નદીના પટ વિસ્તારમાં લોકોની અવરજવર ન થાય તેના માટેની પૂરી તકેદારી રાખી રહ્યા છે અને ખાસ કરીને ઉનાળામાં મોરબી અને માળિયા તાલુકાના પીવાના પાણીની કોઈ સમસ્યા ન થાય તે માટેનું પણ આયોજન કર્યું છે જેના ભાગરૂપે મચ્છુ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ નર્મદાની મચ્છુ કેનાલ મારફતે મોરબીના મચ્છુ-2 ડેમ સુધી નર્મદાનું પાણી મોકલવામાં આવશે અને તેના થકી બંને તાલુકાઓને આગામી ચોમાસા સુધી પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે.

વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબી અને માળીયા તાલુકામાં દરરોજ પીવાના પાણી માટે ડેમમાંથી 10 એમસીએફટી પાણીનો જથ્થો ઉપડવામાં આવે તે તે હિસાબે જોવા જઈએ તો આ બંને તાલુકાને આગામી 70 દિવસ કરતાં વધુ સમય સુધી પીવાનું પાણી પૂરું પડી શકાય તેટલો પાણીનો જથ્થો મોરબીના આ મહાકાય મચ્છુ-2 ડેમમાંથી મચ્છુ નદીમાં છોડી દેવામાં આવશે જો આ પાણીને મચ્છુની કેનાલ મારફતે વહેલાથી ધીમેધીમે છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોત હાલમાં જે પાણી દરિયામાં વહી જવાનું છે તે પાણીથી મોરબી તાલુકાનાં જેટલા શકાય તેટલા ગામોના તળાવ ભરવા માટે ઉયપગી બન્યું હોત તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

જો કે, મોરબીની મચ્છુ નદીમાં મચ્છુ-2 ડેમમાંથી પાણીનો જળ જથ્થો રવિવારે સવારે 11 વાગ્યેથી બે દરવાજા ખોલીને છોડવામાં આવી રહ્યો છે અને ત્યાર બાદ વધુ ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને હાલમાં પણ પાંચ દરવાજા ખુલ્લા રાખીને પાણીનો જળ જથ્થો નદીમાં છોડવામાં આવે છે અને છેલ્લી 20 કલાકમાં 148 એમસીએફટી પાણી નદીમાં છોડી દેવાયુ છે પરંતુ દોઢ મહિનાના સમયગાળા દરમિયાન જો ચોમાસુ સક્રિય થઈ જશે તો મચ્છુ-2 ડેમના દરવાજા બદલવાની કામગીરી સો ટકા પૂર્ણ થશે કે કેમ તે હાલમાં કહેવું મુશ્કેલ છે.



























































