રોડ પહોળો કરવાની જરૂર: પોલીસ-વાહન ચાલકો વચ્ચે વધતા ઘર્ષણ
મોરબી વીસી ફાટક પાસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે ત્યાં અંડરપાસ બ્રીજ બનાવવામાં આવે તેવી માંગ સીનીયર સીટીઝન અને સામાજીક કાર્યકર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલ છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામે રહેતા સીનીયર સીટીઝન અને સામાજીક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ટ્રાફીક સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે જેના લીધે અકસ્માતો પણ થાય છે. ત્યારે મોરબીના વીસી ફાટક પાસે જો અંડરપાસ બ્રીજ બને તો ટ્રાફીક સમસ્યા હળવી થાય તેમ છે. અને ફાટક વારંવાર બંધ થતી લોકોને થતી હેરાનગતિમાંથી પણ મુક્તિ મળી જશે. હાલમાં નટરાજ ઓવરબ્રીજની કામગીરી ચાલે છે.

તેથી વધુમાં વધુ ટ્રાફીક વીસી ફાટક પાસે થાય છે જેથી કરીને વહેલી તકે મોરબી વીસી ફાટક અંડરપાસ બ્રીજ બનાવમાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં લખ્યું છે કે, ન્યાયાધીશના કવાર્ટરની કમ્પાઉન્ડ વોલ ટુંકાવીને તે જમીનનો રોડ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, મોરબીમાંથી સામાકાંઠે જતાં વાહનોનું પ્રમાણ ખુબ જ હોય છે.

પોલીસ અને ટ્રાફીક બ્રિગેડના જવાનો સાથે વાહન ચાલકોને જે ઘર્ષણ થાય છે. તેના બંધ થઈ જશે અને લોકોની સુવિધામાં વધારો થશે જેથી કરીને વહેલી તકે ત્યાં અંડરપાસ બ્રીજ બનાવવામાં આવે તે અનિવાર્ય છે.




























