મોરબીમાં બાગ -બગીચા, સારા માર્ગો ટ્રાફિક સમસ્યાના અંતની સાથે સુનિયોજિત વિકાસનો માર્ગ ખુલ્યો : સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા
આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ પટેલે રજૂ કરેલા વર્ષ 2024 -2025ના બજેટમાં મોરબી સહીત રાજ્યની સાત નગર પાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા જાહેરાત કરતા મોરબીના વતની રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સંયુક્ત નિવેદનમાં તેઓએ કરેલી રજુઆત સરકારે હકારત્મક અભિગમ સાથે સ્વીકારી હોવાનું જણાવી મુખ્યમંત્રીનો આભાર માની આવનાર દિવસોમાં મોરબી વિકસિત નગરી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી, એ જ રીતે મોરબી – માળિયાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા સહિતનાઓએ પણ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ મોરબીને મહાનગર પાલિકાનો દરજજો આપવાના સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, મોરબીના વિકાસ માટે મહાનગરપાલિકાની તાતી જરૂરત હતી જે સરકારે પૂર્ણ કરતા મોરબીના આજુબાજુના ગામોનો સમતોલ વિકાસ થવાની સાથે મોરબીની પ્રજાને બાગ, બગીચા, સારા માર્ગો અને ટ્રાફિક સમસ્યાના નિરાકરણ સાથે સુનિયોજિત વિકાસ મળશે સાથે જ મોરબી મહાનગર બનતા જમીનોની કિંમત પણ વધશે તેમ જણાવ્યું હતું.
મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાની ખુશીમાં મોરબી ભાજપ દ્વારા નગર દરવાજા ચોકે ફટાકડા ફોડી, મીઠાઈ ખવડાવી ઢોલ, નગારા સાથે ભાઈઓ બહેનોએ રાસ રમીને ખુશી વ્યક્ત કરી હતી.







































































