મોરબીમાં 135 જેટલા લોકોનો ભોગ લેનારા ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઉદ્યોગપતિ જયસુખ પટેલને વધુ એક ઝટકો લાગ્યો હોય તેમ હાઇકોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં જેલવાસ ભોગવી રહેલા જયસુખ પટેલ દ્વારા હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી. ગત સપ્તાહમાં લાંબી સુનાવણી થઇ હતી. સરકારી વકીલ દ્વારા કોઇ વિરોધ કરાયો ન હતો. અને ફેંસલો અદાલત પર છોડવામાં આવ્યો હતો. જો કે પીડીત પક્ષના વકીલ દ્વારા જામીન આપવા સામે સખ્ત વિરોધ કરાયો હતો. અને જામીન નહીં આપવા માંગ કરવામાં આવી હતી.

લાંબી સુનાવણી બાદ હાઇકોર્ટે ફેંસલો અનામત રાખ્યો હતો. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે ઉઘડતી કોર્ટે ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો અને જામીન અરજી ફગાવી દેતો આદેશ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે 2022ના દિવાળીના પર્વ દરમ્યાન મોરબીનો વિખ્યાત ઝુલતો પુલ તુટી ગયો હતો અને તેમાં અંદાજીત 135 લોકોનો ભોગ લેવાયો હતો. આ ઝુલતા પુલના મેન્ટેન્શનું કામ ઓરેવા કંપની હસ્તક હતું. અને તેને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ કેસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીંગેશન ટીમની રચના કરવામાં આવી હતી. અને તેની તપાસમાં મેન્ટેન્સ સહિતના કામમાં ઘણી બેદરકારી રાખવામાં આવ્યાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. અને તેમાં જયસુખ પટેલ વગેરેને દોષિત ગણાવવામાં આવ્યા હતાં.



















































