ગત દિપાવલીના તહેવારો સમયે મોરબીના વિખ્યાત ઝુલતા પુલ દુર્ઘટના અને તેમાં 130થી વધુ લોકોના મોત માટે ખાસ તપાસ ટીમે વિખ્યાત ઓરેવા કંપની અને તેના મેનેજીંગ ડિરેકટર જયસુખ પટેલ અને બે મેનેજરોને જવાબદાર ગણાવ્યા છે. આજે ગુજરાત હાઈકોર્ટમાં રાજય સરકાર નિયુક્ત ખાસ તમામ ટીમનો 5000 પાનાનો આખરી અહેવાલ રજુ કરાયો હતો. હવે હાઈકોર્ટે તેના પર આ કેસમાં આરોપીઓ સામે નવા ચાર્જશીટ સહિતના આદેશ આપી શકે છે.

આ રીપોર્ટમાં જણાવ્યું કે તા.30 ઓકટોબરની સાંજે તુટી પડેલા પુલના કોન્ટ્રાકટ ઓરેવા કંપની અને તેના સંચાલકોની બેદરકારી બહાર મળી છે જેમાં જયસુખ પટેલ ઉપરાંત બે મેનેજર દિનેશ દવે તથા દિપક પરીખને જવાબદાર ગણાવ્યા હતા. આ રિપોર્ટમાં જણાવ્યું કે પુલ રીપેરીંગ તથા જાળવણીની જવાબદારી સંભાળનાર ઓરેવા ગ્રુપ દ્વારા કોઈ નિષ્ણાંત કે પછી તે પ્રકારના જાણકારની કોઈ સેવા જ લેવામાં આવી શકતી બ્રિજ ખુલ્લો મુકતા પુર્વે તેનો ફીટનેસ રિપોર્ટ પણ લેવાયો ન હતો

અને કોઈ મંજુરી વગર બ્રિજ ખુલ્લો મુકી દેવાયો હતો. આ ઉપરાંત બ્રિજ પર એકી સાથે કેટલા લોકો હોઈ શકે છે તેના કોઈ નિયમ પણ બનાવાયા વગર જ ટિકીટ વેચવામાં આવી હતી. બ્રિજ પર લોકો સુરક્ષા ગ્રીલને નુકશાન કરે કે ગ્રીલને નુકશાન થાય તેવી હરકતો કરે તો તેને રોકવા માટે કોઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી ન હતી.આ રીપોર્ટ હવે રાજય સરકારને પણ આપવામાં આવશે અને હાઈકોર્ટે આ અંગે હવે કેવું વલણ અપનાવે છે તેના પર સૌની નજર છે.

આ દુર્ઘટના નહી હત્યા: કલમ 302 લગાવવા માટે માંગણી થશે, હાઈકોર્ટમાં હવે દિવાળી બાદ સુનાવણી
રાજકોટ: મોરબીના ઝુલતા પુલ દુર્ઘટનામાં આજે ખાસ તપાસ ટીમે રજુ કરેલા રિપોર્ટમાં ઓરેવા કંપનીની બેદરકારી બહાર આવી હતી અને તેમાં કંપનીના એમડી જયસુખ પટેલ વિ.ને જવાબદાર ગણાવાયા હતા તો પિડિતોના ધારાશાસ્ત્રીએ જણાવ્યું કે આ દુર્ઘટના કોઈ સામાન્ય બેદરકારીથી પણ 134 લોકોની હત્યા જ છે અને તેની માટે આ કેસમાં કલમ 302 લગાવવા માંગણી થશે.

























































