મોરબીમાં આજથી પ્રખર રામાયણી પૂજ્ય મોરારીબાપુની રામચરિત માનસ કથાનો પોથી યાત્રા બાદ મંગલ પ્રારંભ

દિવંગતોના પરિવારજનોના હસ્તે આરતી કરાયી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-09-2023

મોરબીમાં આજથી પ્રખર રામાયણી પૂજ્ય મોરારીબાપુની રામચરિત માનસ કથાનો પ્રારંભ થયો છે, મોરબીમાં ઝૂલતાપૂલ દુર્ઘટનાના દિવંગતો માટે યોજાયેલ આ રામકથાને મોરારીબાપુએ માનસ શ્રદ્ધાંજલિ કથા નામ આપ્યું હતું. પોથીયાત્રા બાદ રામચરિત માનસ કથાના પ્રારંભે કથા માહત્મ્ય સમજાવતા પૂજ્ય મોરારીબાપુએ રામચરિત માનસના બાલ્ય કાંડના બે દોહા વિષે શ્રોતાઓને સમજ આપી હતી, સાથે જ કથાના પ્રારંભે મહાનુભાવો દ્વારા બાપુનું સન્માન કરી શાલ આપવામાં આવતા માર્મિક રીતે તેઓએ વર્તમાન સમયમાં સનાતન ધર્મ માટે શાલ નહીં પણ મશાલની પ્રકાશરૂપી જરૂરત હોવા ઉપર ભાર મૂકી આ શાલને તેઓએ મશાલરૂપે સ્વીકારી હોવાનું જણાવ્યું હતું. સાથે જ ભારત બલવાન રાષ્ટ્ર હોવાનું ગર્વ ભેર જણાવી કુણા પડેલા કેનેડાનો દાખલો આપ્યો હતો.

રામચરિત માનસ કથાનું મહાત્મ્ય સમજાવતા પૂ.મોરારીબાપુએ શ્રોતાઓને રામ ચરિત માનસ કથાને સાત સોપાન એટલે કે બાયાની સીડી હોવા અંગે સરળ સમજ આપતા કહ્યું હતું કે, કથાનું પહેલું પગથિયું બાલ્ય કાંડ છે, જયારે બીજું પગથિયું અયોધ્યા, ત્રીજુ પગથિયું અરણ્ય કાંડ, ચોથું પગથિયું કિસકીંધા, પાંચમું પગથિયું સુંદરકાંડ, છઠ્ઠું પગથિયું લંકા અને સાતમું પગથિયું ઉત્તર કાંડ છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે, અગાઉ આ સાત પગથિયાની સીડી દરેક ઘરમાં રાખવામાં આવતી આ સાત પગથિયામાં જ સમગ્ર જીવનચક્રના ઉતરો આવતા હોવાનું તેમને શ્રોતાઓને સમજાવ્યું હતું.

સાથે જ મોરારીબાપુએ આવતીકાલે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ હોવાથી રામકથા સવારે 10ને બદલે 11 વાગ્યે કથા શરૂ થશે તેવી જાહેરાત કરી લોકોને એક કલાક રાષ્ટ્ર માટે શ્રમદાન કરવા અપીલ કરી તેઓ પોતે પણ એક કલાક માટે કબીરધામ ખાતે શ્રમદાન કરશે તેવું જાહેર કર્યું હતું.કથાના પ્રથમ દિવસે યજમાન સાંસદ મોહનભાઇ કુંડારીયા, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, વડવાળા ધામના કનીરામબાપુ સહિતના સંતો,મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રથમ દિવસની કથાના સમાપનમાં ઝૂલતાપૂલની દુર્ઘટનાના 135 મૃતકોના પરિવારજનોના હસ્તે આરતી ઉતારવામાં આવી હતી.