ચંદ્રયાન-3 બાદ બીજી સફળતા, મંગળયાન બાદ Aditya L1 એ મેળવી આ સિદ્ધી, જાણો ISROનું અપડેટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-09-2023

Aditya L1 Mission: ચંદ્રયાન-3 (Chandrayaan-3) મિશનમાં મળેલી સફળતા બાદ ભારતના પ્રથમ સૂર્ય મિશન આદિત્ય એલ-1 અંગે ઈસરોએ મોટી ખુશખબર આપી હતી. અંતરિક્ષ એજન્સીએ જણાવ્યું કે હવે તેનું યાન પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું છે.

કેટલું અંતર કાપી ચૂક્યું છે

અત્યાર સુધી આદિત્ય એલ 1 એ પૃથ્વીથી 9.2 લાખ કિલોમીટરથી વધારે અંતર કાપી લીધું છે. બેંગ્લુરુ હેડક્વાર્ટરવાળી રાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સી (ISRO)એ એક્સ પર નિવેદનમાં જણાવ્યું કે આદિત્ય એલ-1 પૃથ્વીથી 9.2 લાખ કિલોમીટર દૂર નીકળી ગયું છે. હવે સન અર્થ લેગ્રેંજ પોઈન્ટ (L1) તરફ તેનો રસ્તો શોધી રહ્યું છે.

ISROએ બીજી વખત મેળવી આ સિદ્ધી

આ બીજી વખત છે જ્યારે ઈસરો કોઈ અંતરિક્ષ યાનને પૃથ્વીના પ્રભાવ ક્ષેત્રની બહાર મોકલી શક્યું હોય. પહેલીવાર મંગળ ઓર્બિટર મિશનમાં આ સફળતા પ્રાપ્ત કરી હતી.  ઈસરોએ ચાલુ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે આદિત્ય L1 સૌર મિશન અંતરિક્ષ યાને ડેટા એકઠો કરવાની શરૂઆત કરી દીધી છે જે વૈજ્ઞાનિકોને પૃથ્વીની આજુબાજુના કણોના વર્તનનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે.