પીએમ 24 સપ્ટેમ્બરે નવ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે

આ નવ નવી વંદે ભારત ટ્રેનો અગિયાર રાજ્યોમાં કનેક્ટિવિટી વધારશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.23-09-2023

વંદે ભારત કનેક્ટિવિટી મેળવવા માટે પુરી, મદુરાઈ અને તિરુપતિ જેવા મહત્વના ધાર્મિક સ્થળોને સાંકળશે

ટ્રેનો તેમના સંચાલનના રૂટ પર સૌથી ઝડપી હશે અને મુસાફરોનો નોંધપાત્ર સમય બચાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24મી સપ્ટેમ્બર 2023ના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે.

આ નવી વંદે ભારત ટ્રેનો સમગ્ર દેશમાં કનેક્ટિવિટી સુધારવા અને રેલ મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ પૂરી પાડવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવા તરફ એક પગલું છે. જે નવી ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં આવશે તે છે:

ઉદયપુર – જયપુર વંદે ભારત એક્સપ્રેસ, તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નાઈ વંદે ભારત એક્સપ્રેસ, હૈદરાબાદ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ, વિજયવાડા – ચેન્નાઈ (રેનિગુંટા થઈને) વંદે ભારત એક્સપ્રેસ, પટના-હાવડા વંદે ભારત એક્સપ્રેસ

કાસરગોડ – તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ, રાઉરકેલા – ભુવનેશ્વર – પુરી વંદે ભારત એક્સપ્રેસ

રાંચી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ, જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ

આ નવ ટ્રેનો રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાત જેવા અગિયાર રાજ્યોમાં કનેક્ટિવિટી વધારશે.

આ વંદે ભારત ટ્રેનો તેમના સંચાલનના રૂટ પર સૌથી ઝડપી ટ્રેન હશે અને મુસાફરોનો નોંધપાત્ર સમય બચાવવામાં મદદ કરશે. રૂટ પરની વર્તમાન સૌથી ઝડપી ટ્રેનની સરખામણીમાં, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી વંદે ભારત એક્સપ્રેસ અને કાસરગોડ-તિરુવનંતપુરમ વંદે ભારત એક્સપ્રેસ લગભગ 3 કલાક જેટલી ઝડપી હશે; હૈદરાબાદ-બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ 2.5 કલાકથી વધુ; તિરુનેલવેલી-મદુરાઈ- ચેન્નાઈ વંદે ભારત એક્સપ્રેસ 2 કલાકથી વધુ; રાંચી-હાવડા વંદે ભારત એક્સપ્રેસ, પટના-હાવડા વંદે ભારત એક્સપ્રેસ અને જામનગર-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ લગભગ 1 કલાક; અને ઉદયપુર – જયપુર વંદે ભારત એક્સપ્રેસ લગભગ અડધો કલાક ઝડપી હશે.

દેશભરમાં મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની કનેક્ટિવિટી સુધારવાના પ્રધાનમંત્રીના વિઝનને અનુરૂપ, રાઉરકેલા-ભુવનેશ્વર-પુરી વંદે ભારત એક્સપ્રેસ અને તિરુનેલવેલી-મદુરાઈ-ચેન્નાઈ વંદે ભારત એક્સપ્રેસ પુરી અને મદુરાઈના મહત્વપૂર્ણ ધાર્મિક નગરોને જોડશે. ઉપરાંત, વિજયવાડા-ચેન્નાઈ વંદે ભારત એક્સપ્રેસ રેનિગુંટા માર્ગે ચાલશે અને તિરુપતિ યાત્રાધામ કેન્દ્રને કનેક્ટિવિટી પ્રદાન કરશે.

આ વંદે ભારત ટ્રેનોની રજૂઆત દેશમાં રેલ સેવાના નવા ધોરણની શરૂઆત કરશે. કવચ ટેક્નોલોજી સહિતની વિશ્વસ્તરીય સુવિધાઓ અને અદ્યતન સલામતી સુવિધાઓથી સજ્જ આ ટ્રેનો સામાન્ય લોકો, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ, વિદ્યાર્થી સમુદાય અને પ્રવાસીઓને મુસાફરીના આધુનિક, ઝડપી અને આરામદાયક માધ્યમો પ્રદાન કરવાની દિશામાં મહત્ત્વનું પગલું હશે.