જસ્ટીન ટ્રુડોને કેવી રીતે ભારે પડી પોતાની મૂર્ખામી? ભારતે કઠોર વલણ અપનાવતા આ રીતે નરમ પડ્યા સૂર!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-09-2023

ભારત સાથે સંબંધ બગાડીને કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડોએ પોતાની રાજકીય અપરિપક્વતાનું પ્રદર્શન કર્યું છે. બંને દેશોના જૂના અને મજબૂત સંબંધોને જોતાં ટ્રુડોને તેમની આ ભૂલ તેમના જ દેશમાં નડી રહી છે. ખાલિસ્તાની આતંકીઓ માટે કૂણું વલણ દેખાડીને ટ્રુડો કેનેડામાં જ અળખામણા થઈ ગયા છે, ખાલિસ્તાન સમર્થક આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવનાર ટ્રુડો સામે હવે કેનેડાના વિપક્ષે પણ સવાલ ઉઠાવ્યા છે. કેનેડાના વિપક્ષના નેતા પિયરે પોઈલિવરે ટ્રુડો પાસે નિજ્જર હત્યાકાંડ મામલે ભારત પર મુકેલા આરોપના પુરાવા માગ્યા છે. વિપક્ષનું કહેવું છે કે, ટ્રુડોએ પુરાવા વિના જ ભારત પર આરોપ લગાવ્યો છે.

પોતાના જ દેશમાં ઘેરાતા ટ્રુડોની સાન હવે ઠેકાણે આવી રહી છે. સંસદમાં ભારત વિરુદ્ધ ઝેર ઓક્યા બાદ ટ્રુડોને તેમની ભૂલ સમજાઈ છે. તેમના સૂર બદલાયા છે. ટ્રુડોનું વલણ ભલે નરમ પડ્યું છે, તેઓ ભલે એમ કહેતાં હોય કે તે ભારતને ઉકસાવવા નથી માગતા, પણ તેઓ આમ કરી ચૂક્યા છે. ભારતના રાજદૂતની હકાલપટ્ટી કરવાના તેમના નિર્ણયથી ભારત સાથેના સંબંધોને તેઓ નુકસાન પહોંચાડી ચૂક્યા છે.

ટ્રુડોની આ કાર્યવાહીનો ભારતે પણ સખ્તાઈથી જવાબ આપ્યો છે. મંગળવારે જ ભારતે કેનેડાના ટોચના રાજદૂતની દેશમાંથી હકાલપટ્ટીના આદેશ આપ્યા હતા. તેના બીજા દિવસે પ્રધાનમંત્રી અને ગૃહ મંત્રીએ આ મામલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે ચર્ચા કરી. વિદેશમંત્રી એસ. જયશંકરે પણ પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક યોજીને સમગ્ર મામલે તેમને માહિતી આપી.

બેઠકોના દોર બાદ કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લેતાં કેનેડામાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં કેનેડામાં હેટ ક્રાઈમની વધતી ઘટના બાબતે ભારતીયોને ચેતવણી અપાઈ છે. હેટ ક્રાઈમ થાય છે તેવા વિસ્તારોથી દૂર રહેવા ભારતીયોને સતર્ક કરાયા છે. વિદ્યાર્થીઓને ભારતીય દૂતાવાસમાં નોંધણી કરાવવા પણ એડવાઈઝરીમાં કહેવાયું છે. કોઈ તકલીફ પડે તો ભારતીયોને WWW.MADAD.GOV.IN વેબસાઇટ પર સંપર્ક કરવા કહેવાયું છે.

ભારતની આ એડવાઈઝરી કેનેડા માટે મોટી લપડાક છે. કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓ દ્વારા ભારતીયો સાથે થતા હેટ ક્રાઈમની ઘટનાઓ હવે દુનિયાથી છૂપી નહીં રહે. કેનેડાએ હવે ફક્ત ભારત નહીં, પણ દુનિયાને જવાબ આપવો પડશે. પ્રધાનમંત્રી ટ્રુડોની એક મૂર્ખામીનું પરિણામ સમગ્ર કેનેડાએ ભોગવવુ પડશે.