ભારતમાં 15 વર્ષમાં 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા : UNએ દેશની કરી પ્રશંસા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-07-2023

ભારતમાં 2005 અને 2006 વચ્ચે લગભગ 64.5 કરોડ લોકો ગરીબ હતા… જોકે આ આંકડો ઘટીને 2015 અને 2016 વચ્ચે લગભગ 37 કરોડે પહોંચી ગયો છે, જ્યારે 2019 અને 2021 વચ્ચે 23 કરોડ પર આવી ગયો છે. વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતની પ્રશંસા કરતા સંયુક્ત રાષ્ટ્ર (UN)એ આજે જણાવ્યું કે, ભારતમાં 2005-2006થી 2019-2021 સુધીના 15 વર્ષના સમયગાળા દરમિયાન કુલ 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ માહિતી ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સના નવા અપડેટમાં સામે આવી છે.

ભારત સહિત 25 દેશોમાં ગરીબોની સંખ્યા ઘટી

યુએનના આ રિપોર્ટ મુજબ ભારત સહિત 25 દેશોએ 15 વર્ષમાં ગરીબી રેખા ઘટાડવામાં મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. આ બાબત વિવિધ દેશોની ઝડપી પ્રગતિ દર્શાવે છે. આ યાદીમાં ભારત ઉપરાંત કંબોડિયા, ચીન, કોંગો, હોન્ડુરાસ, ઈન્ડોનેશિયા, મોરોક્કો, સર્બિયા અને વિયેતનામ પણ સામેલ છે.

15 વર્ષમાં ગરીબી રેખાનો દર 55.1 ટકા પરથી 16.4 ટકાએ પહોંચી ગયો

રિપોર્ટમાં વધુમાં જણાવાયું કે, સૌથી વધુ ભારતમાં ગરીબી રેખામાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં માત્ર 15 વર્ષના સમયગાળાની અંદર 41.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. રિપોર્ટ પરથી કહી શકાય કે, ગરીબી રેખાને ઘટાડવી સંભવ છે. જો કે, કોવિડ-19 રોગચાળાના સમયગાળા દરમિયાન વ્યાપક ડેટાના અભાવના કારણે મૂલ્યાંકનો મેળવવામાં પડકારોનો સામનો કરવો પડ્યો… ભારતમાં 2005-2006માં ગરીબી રેખાનો દર 55.1 ટકા હતો, જે 2019થી 2021માં ઘટીને 16.4 ટકાએ પહોંચી ગયો છે.