કચ્છની  પ્રખ્યાત નકશી કલા લુપ્ત થવાને આરે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-05-2023

કચ્છ ની ઘણી બધી કલાઓ  પૈકી કચ્છની  નકશીકલા  વિશ્વ પ્રસિધ્ધ છે. જોકે હવે કચ્છ ની ઘણી બધી કલા  કારીગીરીની માફક આ નકશી કલાનું અસ્તિત્વ ટકાવી રાખવા અમુક નકશીકામના કલાકારો  હજુ પણ મથી રહ્યા છે એમ કહેવું જરાય પણ ખોટું નથી.  

કેમ કે કચ્છની અન્ય કલા પૈકી નકશી કલા  પણ લુપ્ત થવાની આરે છે . કચ્છની એક સમયે ફૂલી ફાલેલી નકશી કલાના હાલમાં આંગળી વેંઢે ગણી શકાય એટલા  કારીગરો છે. જૂના જમાના માં આ કલા ખૂબ ફૂલી ફાલી હતી. રાજાશાહી વખતમાં આ કલા કારીગરીનું  મહેનતાણું પુરે પુરુ મળી રહેતું હોવાથી રાજાશાહીના  સમયમાં આ કલા સોળે કળાએ ખીલી હતી પણ હાલ ના સમયમાં મહેનત પ્રમાણે મહેનતાણું ખૂબ ઓછું મળતું હોવાથી નવી પેઢીના કારીગર  ખૂબ ઓછા છે અને જે જૂના કારીગરો છે  એ  આ કલાનું અસ્તિત્વ ટકાવી રાખવા મથી રહ્યા છે. એનું એક કારણ એ પણ ગણી શકાય કે હાલની પેઢીને આ કલા માં ખાસ રુચિ નથી કારણ પણ સ્પષ્ટ છે કે આ કામમાં જેટલી મહેનત છે એટલા પ્રમાણમાં મહેનતાણું પણ મળતું નથી એટલે યુવા પેઢી આ કામથી દુર ભાગી રહી છે. એવું ભુજના વર્ષોથી નકશીકામ સાથે સંકળાયેલા નકશીકાર હરીશભાઈ સોલંકીએ જણાવ્યું હતું નકશીકામ પણ ખૂબ જ ચીવટભર્યું અને ખૂબ સમય માંગી લે એવું છે. એક નાની કૃતિ (ગ્લાસ કે ડીશ) ને તૈયાર કરવા ૩/૪ દિવસ તેમજ મોટી સાઇઝની કૃતિ (વાસણ ની આઈટમ કે અન્ય ) તૈયાર કરવામાં ૧૨/૧૫ દિવસ આસપાસ સમય લાગી જાય છે.

વળી આ કામ કોઈ પણ આધુનિક મશીનરી ના ઉપયોગ વગર કરવામાં આવે છે જેમાં ઘાટ કામથી માંડી નકશી કામ ઉપરના છેલ્લે પોલિશ કરવાનું કામ  પણ  સ્વ.હસ્તે જ કરવામાં આવે છે.

ભુજના નકશીકામના જૂની પેઢીના કલાકાર હરીશભાઈ જેઠાલાલ સોલંકી  વર્ષોથી નકશીકામ કરતા રહ્યા છે . હરીશ ભાઈના પિતા જેઠાલાલ ભાઈ સોલંકી પણ નકશી કામના સિદ્ધહસ્ત કારીગર હતા .રાજાશાહીના જમાનામાં પણ તેમની નકશીકામ કામની કારીગરી થી ખૂબ વખણાતી.

 હરીશ ભાઈ નિર્મિત નકશી કામના વાસણો કે અન્ય કૃતિઓ  અમેરિકા ,લંડન સુધી  પણ પહોંચેલી છે. તો વર્ષ ૧૯૯૫ માં કચ્છના સુરેશ ભાઈ મહેતા જ્યારે મુખ્યમંત્રી  બન્યા હતા ત્યારે તેમને સન્માનવા માટેની ટ્રોફી પણ હરીશભાઈ દ્વારા  જ બનાવવામાં આવી હતી . અમરસિંહ ચૌધરી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે  હરીશભાઈને “હસ્તકલા પારંગત” એવોર્ડ આપી નવાજીશ કરવામાં આવ્યા હતા.

નકશીકામ ટ્રે, પાણીની હેલ, ગ્લાસ, ચા ની કીટલી, કપ રકાબી, થાળી, વાટકા જેવા વાસણો, ઉપરાંત ભગવાનનું મંદિર, ભગવાનના મુગુટ, ટ્રોફી છત્તર વગેરેના સોના ચાંદીના વાસણોમાં કરતુ હોય છે. ઉપરાંત કચ્છના અન્ય આભૂષણો જેવા કે તોડા બનાવવા માં પણ હરીશ ભાઈ ખૂબ સારી એવી હથરોટી  ધરાવે છે.

 હાલની પેઢીની નકશી કામ પરત્વેના અણગમાને કારણે ભવિષ્યમાં આ નકશીકલા માત્ર મ્યુઝિયમમાં જ જોવા મળે  એવા દિવસો દુર નથી. (લેખક: મહેશ સોની, નખત્રાણા) (ચાંદી પર નક્શીકામના સિધ્ધહસ્થ કલાકાર : હરીશભાઈ સોલંકી (ભુજ) મો. 95379 51051

E-paper ડાઉનલોડ કરવા ઉપરના ન્યૂઝ પેપરની ઇમેજ પર ક્લિક કરો