મોરબીના મહેન્દ્રનગરમાં શોભાયાત્રા બાદ રાત્રે ત્રણ યુવાન પર 13 શખ્સનો હુમલો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-03-2023

મોરબી સીટી બી ડિવિઝન પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર ગામના બસ સ્ટેશન પાસે આવેલ બાલાજી પાંઉભાજી નજીક ગતરાત્રિના દસેક વાગ્યાના અરસામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાજેશ મનસુખભાઈ શેરસીયા જાતે પટેલ (ઉંમર 30) રહે. હનુમંત એપાર્ટમેન્ટ મહેન્દ્રનગર મોરબી-2 વાળા ઉપર તેમજ તેમની સાથેના સાહેદ પ્રિન્સભાઈ અને પ્રતિકભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેથી ફરિયાદ નોંધાવા પામી છે.જેમાં ભોગ બનનાર રાજેશ મનસુખભાઇ શેરસિયા જાતે પટેલ દ્વારા બી ડિવિઝન પોલીસ મથક ખાતે સામાવાળા રાજેશ ગોધવીયા, જયેશ દલસાણીયા, સોકત અલી જેડા, તાજમામદ મોવર, શહેજાદ અનવર, તૌફીક સુમરા, જુસાભાઈ ખાખરેચી, રાજુ પરમાર, અવિભાઈ પરેચા, રમેશ નટુભાઈ અને તેમની સાથે રહેલા

તેમના ત્રણ અજાણ્યા મિત્રો એમ આશરે તેર જેટલા હુમલાખોરો દ્વારા ગેરકાયદેસર મંડળી રચીને ફરિયાદી રાજેશભાઈ શેરસીયાને તથા તેમની સાથે બનાવની જગ્યા એટલે કે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ વિપુલભાઈના રસના ચિચોડામાં કામ કરતા સાહેદ પ્રિન્સભાઈ અને પ્રતિકભાઇને ભગવાન રામની શોભાયાત્રાના રથમાં બેસવા બાબતે થયેલ બોલાચાલીનો રોષ રાખીને ફોનમાં ગાળો આપ્યા બાદ સમાધાનના બહાને બોલાવીને બાદમાં ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને છરી બતાવીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપવામાં આવી હતી.હાલ રાજેશભાઈ શેરસીયાની ઉપરોક્ત ફરિયાદ ઉપરથી પોલીસે આઇપીસી કલમ 323, 143, 147, 148, 504, 506(2), 114 અને 135 મુજબ ઉપરોક્ત તેર શખ્સોની સામે બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની આગળની તપાસ પીએસઆઇ જે.બી.રાણા ચલાવી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે મોરબી શહેર અને જિલ્લા વિસ્તારમાં પોલીસની ધાક ઓસરી રહી હોય તેવો માહોલ સર્જાયો છે કારણ કે નજીવી વાતે ઝઘડો કરવો, છુટા હાથની મારામારી કરવી, ધોકા-પાઇપ કે તલવાર વડે હુમલા કરવા, તેમજ છરી હલાવી કે મર્ડર થઈ જવું એ બાબતો હવે સામાન્ય બની ગઇ હોય તેવો મોરબીમાં ઘાટ જોવા મળી રહ્યો છે..! કારણ કે બે દિવસ પહેલા જ સોઓરડી પોસ્ટ ઓફિસ પાસે બે યુવાનો ઉપર 8-10 હુમલાખોરો દ્રારા છરીના આડેધડ દસેક ઘા માર્યા હતો તો થોડા દિવસો પહેલા જ ઇન્ટ્રાગ્રામમાં મેસેજ મુકવા બાબતે સામસામી મારામારી, ત્યારબાદ જુદાજુદા વિસ્તારોમાં અનેક મારામારીના બનાવો બન્યા છે જેમાં નજીવી વાતોમાં પણ મારામારીના બનાવો સામે આવે છે અને અમુક કિસ્સાઓમાં તો ગંભીર ઇજા કે વાત મર્ડર સુધી પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે જિલ્લામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.