મોરબી કોર્ટમાં પ્રથમ મુદ્દતે જયસુખભાઇ પટેલ હાજર : પુલ દુર્ઘટનામાં હવે 31 માર્ચે સુનાવણી

કુલ 10 આરોપી સામે ચાર્જશીટ મુકાયા છે : ઓરેવા ગ્રુપના વડાની જામીન અરજી ફગાવી દેવાઇ હતી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-03-2023

મોરબીની ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ગઇકાલે મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જયસુખભાઈ પટેલને મુદત હોવાથી હાજર કરવામાં આવ્યા હતા અને આ કેસમાં આગામી તારીખ 31/3 ના રોજ આગળની સુનાવણી થશે તેવું વકીલ પાસેથી જાણવા મળ્યું છે. મોરબીમાં જુલતો પુલ તૂટી પડતા 135 જેટલા લોકોના મૃત્યુ નીપજ્યા હતા

આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ આધારે ઓરેવા ગ્રુપના જયસુખભાઇ પટેલ સહિતના કુલ 10 આરોપીઓની ધરપકડ કરીને તેને મોરબીની જેલ હવાલે કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓ સામે મોરબીની કોર્ટમાં ચાર્જશીટ પણ મુકાઈ ગયેલ છે જો કે, છેલ્લે જયસુખભાઈ પટેલ સામેનું ચાર્જસીટ મુકાયા બાદ ગઇકાલે મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં તેની પ્રથમ મુદત હોય જયસુખભાઈ પટેલને ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આગામી તા. 31/3 ના રોજ આ કેસમાં આગળની સુનાવણી હાથ ધરાશે તેવું વકીલ દિલીપભાઇ આગેચાણિયા પાસેથી જાણવા મળ્યું છે.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલની કોર્ટ સમક્ષ હાજર થયા બાદ ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં જયસુખ પટેલ વિરૂધ્ધ પૂરક ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. પૂરક ચાર્જશીટ રજૂ થયા બાદ મુદત હોવાથી જયસુખ પટેલ કોર્ટમાં હાજર થતા કોર્ટે આ અંગે આગામી 31 માર્ચની મુદત આપી છે. ત્રણ મહિના સુધી ફરાર રહેલા ઓરેવા ગ્રુપના એમ.ડી.એ પણ આખરે કોર્ટની શરણે ગયા હતા.

ત્યારબાદ જયસુખ પટેલની વિધિવત ધરપકડ કરી પોલીસે રિમાન્ડ મેળવી પુછપરછ કરી હતી. બાદમાં જયસુખ પટેલ એક મહિના જેટલો સમય જેલમાં રહ્યા બાદ વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જે કોર્ટે ફગાવી દીધી હતી અને જયસુખ પટેલને કોઇ રાહત મળી નહોતી. આ અંગે તપાસ અધિકારીએ આરોપી જયસુખ પટેલ વિરૂધ્ધ પૂરક ચાર્જશીટ રજૂ કરી હતી. જેથી પૂરક ચાર્જશીટ રજૂ થયા બાદ કોર્ટે 17 માર્ચની મુદત આપી હતી. મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જયસુખ પટેલ હાજર થતા કોર્ટે આગામી 31 માર્ચની મુદત આપી છે.