મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં નિર્દોષ 135 નાગરિકોનો ભોગ લેવાયો હતો જે અંગે પોલીસે ચાર્જશીટ રજુ કરી દેતા મોરબી સેશન્સ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે જેમાં ડોક્યુમેન્ટરી એવીડન્સ માટે મેટર મુકવા કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી અને પ્રોસીક્યુશન તરફથી રજુ કર્યા બાદ કેસ આગળ ચાલશે તેમ મૃતકોના વકીલે જણાવ્યું હતું.

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ગુનો નોંધી પોલીસે ઓરેવા ગ્રુપના મેનેજર સહિતના નવ આરોપીઓની ધરપકડ કરી હતી જેમાંથી ઓરેવા ગ્રુપના મેનેજર, ક્લાર્ક સહિતના સાત આરોપીઓએ કરેલી જામીન અરજી કોર્ટે આજે નામંજૂર કરી હતી જયારે અન્ય બે આરોપી કોન્ટ્રાકટર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમારે કોર્ટમાં કરેલી જામીન અરજીમાં પણ કોર્ટે નામંજૂર કરી હતી અને અગાઉ ઝડપાયેલા નવ આરોપીઓને કોર્ટમાંથી કોઈ રાહત મળી ના હતી તો ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ પણ કોર્ટ સમક્ષ હાજર થતા તેમના રિમાન્ડ મેળવીને બાદમાં જેલહવાલે કરવામાં આવ્યા છે.

જે કેસ અંગે મૃતકોના પરિવારના વકીલ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આજે સેસન્સ કોર્ટમાં ડોક્યુમેન્ટરી એવીડન્સ માટે મેટર મુકવા તારીખ મળી હતી જેમાં આગામી 9 માર્ચની મુદત પડી છે પ્રોસીક્યુશન તરફથી તે રજુ કર્યા બાદ આગળ કેસ ચલાવવામાં આવનાર છે તો જયસુખ પટેલને આરોપી દર્શાવ્યા છે જેથી ફર્ધર ચાર્જશીટ રજુ થાય ત્યારે મૃતકોના પરિવાર વતી તેઓ અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ તે અંગે તે સમયે કાગળોનો અભ્યાસ કરી આરોપીઓની સંડોવણી ખુલશે તો તેની સામે પણ કાયદેસર કાર્યવાહી કરાય તે માટે લડત ચલાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
















































