મોરબી: અનસ્ટોપેબલ વોરિયર્સ એન.જી.ઓ. નો વાર્ષિકોત્સવ ઉજવાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.22-01-2023

મોરબીમાં એક વર્ષથી ‘અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ’ અનસ્ટોપેબલ રીતે કાર્ય કરતુ આવ્યું છે. અને તેના દ્વારા લોક ઉપયોગી અને લોકોને જરૂરિયાત હોય તે પ્રકારના સેવાકીય કામો નિરંતર કોઈપણ પ્રકારનું ફંડ કોઈ પાસેથી લીધા વગર કરવામાં આવી રહ્યુ છે અને ખાસ સૌથી મોટી બાબત એ છે કે આ અનસ્ટોપેબલ વોરિયર્સ એનજીઓ હેતલબેન અને તેની સાથે જોડાયેલ ૭૮ જેટલી મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે અને તેમના દ્વારા ન માત્ર મોરબી જિલ્લા પરંતુ અન્ય જિલ્લામાં પણ કોઈ જગ્યાએ લોકોને જરૂરિયાત હોય તો આર્થિક કે અન્ય કોઈપણ પ્રકારની મદદ પૂરી પાડવા માટેની તૈયારીઓ દર્શાવવામાં આવે છે અને કામગીરી કરવામાં આવી રહી છે

આ એનજીઓને એક વર્ષ પૂર્ણ થતા મોરબીના રવાપર ગામ પાસે આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે તેનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, રાજ્યના માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, હાસ્ય કલાકાર હકાભા ગઢવી, તાજેતરમાં આર્મીમાંથી નિવૃત્ત થઈને આવેલા સહદેવસિંહ પ્રતાપસિંહ ઝાલા તેમજ રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ કાસુંદ્રા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને મહિલાઓની ટીમ દ્વારા છેલ્લા એક વર્ષથી જે રીતે લોકોની સેવાકીય કામગીરી કરવામાં આવી રહી છે તેની પ્રશંસા કરીને મહિલાઓને બિરદાવી હતી

આ તકે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દ્વારા મહિલાઓની ટીમ દ્વારા લોકોને સરકારની જુદી જુદી યોજનાઓનો વધુમાં વધુ લાભ મળે તેના માટેની પણ કામગીરી આ એનજીઓ દ્વારા કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી