હવે રામવનના સંચાલનનું પણ ખાનગીકરણ : મનપાએ ટેન્ડર બહાર પાડયા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-12-2022

રાજકોટ મહાપાલિકા દ્વારા આજી ડેમની બાજુમાં વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ વિશાળ રામવનમાં પ્રવેશ માટે ટીકીટ લેવાનું શરૂ કરી દેવાયાના 3 મહિના બાદ હવે રામવનની ટીકીટથી માંડી ફૂડ કોર્ટના સંચાલનનો કોન્ટ્રાકટ આપવા ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે. એક તરફ મનપા પ્રદ્યુમન પાર્ક ઝુનું સંચાલન જાતે કરે છે ત્યારે રામવનનું સંચાલન ગાંધી મ્યુઝીયમની જેમ એજન્સીને સોંપી દેવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મનપા દ્વારા સૌરાષ્ટ્રનું પ્રથમ એવું અને પૂરા દેશમાં બેનમૂન બનેલું રામવન 47 એકર જગ્યામાં બનાવવામાં આવ્યું છે. 13.77 કરોડના ખર્ચે શ્રીરામના જીવનને જીવંત કરતા વિશાળ સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે. રામાયણના જુદા જુદા પ્રસંગો તેમાં વર્ણવવામાં આવ્યા છે. જન્માષ્ટમીના મેળા સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આ રામવનનું ઉદઘાટન કર્યુ હતું.

તહેવારના દિવસોમાં રામવનમાં ફ્રી એન્ટ્રી રાખવામાં આવી હતી. પરંતુ તે બાદ રોજિંદા મેન્ટેનન્સ જેવા ખર્ચ અને જાળવણીના હેતુથી બાળકો માટે રૂા. 10 અને મોટેરા માટે રૂા. 20ની ટીકીટ રાખવામાં આવી છે.

ચૂંટણી અગાઉ સંચાલનનો કોન્ટ્રાકટ આપવાનો નિર્ણય લેવામાં આવે તો વિવાદ થવાની શકયતાથી શાસકોએ આ માટેના ટેન્ડર બહાર પાડયા ન હતા. હવે ચૂંટણી પૂરી થઇ ગઇ છે અને આવતીકાલે પરિણામ છે ત્યારે ગાર્ડન શાખાએ ઇ-ટેન્ડર બહાર પાડયા છે. તેમાં ટીકીટ બારીનું સંચાલન, સિકયુરીટી વ્યવસ્થા, ઇ-વ્હીકલ સર્વિસ રોડ અને ઓફિસની સફાઇ, ટોયલેટ બ્લોક, ફૂડ કોર્ટ સહિતની વહીવટી વ્યવસ્થા એજન્સીએ સંભાળવાની છે. ત્રણ વર્ષ માટે આ કોન્ટ્રાકટ આપવાનો છે ત્યારે અને ઇએમડી રૂા. 3 લાખ આપવામાં આવી છે.

તા.28-12 સુધી ટેન્ડર મળી શકશે. આ દિવસે સાંજ સુધીમાં ટેન્ડર જમા કરવાના છે જેની પ્રિબીડ મીટીંગ તા. 20 ડિસેમ્બરના રોજ રાખવામાં આવી છે. તા.30-12 સુધીમાં ડોકયુમેન્ટ ગાર્ડન શાખામાં સોંપવાના છે અને તા.31ના રોજ ટેન્ડર ખોલવામાં આવશે. રૂા. 5 લાખની સિકયુરીટી ડિપોઝીટ પાર્ટીએ જમા કરાવવાની છે.

ઉદઘાટન બાદ જયાં સુધી વિનામૂલ્યે પ્રવેશ હતો ત્યાં સુધી લોકોની ખુબ ભીડ જામી હતી. તે બાદ ટીકીટ લાગુ થઇ ત્યારથી રામવનનો ક્રેઝ જાણે ઘટી ગયો હોય તેવું લાગતું હતું. જોકે નજીકમાં જ આવેલું પ્રદ્યુમન પાર્ક લોકો માટે ફરવાનું ફેવરીટ સ્થળ છે. બહારગામથી પણ લોકો આ પાર્કની મુલાકાતે આવે છે અને પ્રાણીઓ સાથે સમય ગાળે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ પ્રિય સ્થળ બન્યું છે. અહીં પણ પ્રવેશ ફી સહિતના ચાર્જ છે.

પરંતુ તેનું સંચાલન કોર્પોરેશન જાતે કરે છે. હવે રામવનના સંચાલનની કાર્યવાહી શરૂ થઇ છે. ટેન્ડર પ્રક્રિયા બાદ જે તે પાર્ટીને ઓફરના આધારે કામ સોંપવા વહીવટી પ્રક્રિયા કરવામાં આવશે અને તે બાદ સ્ટે.કમીટીમાં દરખાસ્ત આવશે. આમ હાલ તો મહાપાલિકાની વધુ એક મિલ્કતનું અમુક અંશે ખાનગીકરણ થવા જઇ રહ્યું છે તો સામે યોગ્ય જાળવણી માટે એજન્સીને સંચાલન સોંપવું જરૂરી હોવાનું તંત્ર કહે છે.

અગાઉ તમામ કોમ્યુનિટી હોલ, ગાંધી મ્યુઝીયમ, ઇન્ડોર સ્ટેડીયમ, રેસકોર્ષના જુદા જુદા સ્પોર્ટસ સંકુલ, ખાનગી સંસ્થાઓ, કંપની અને એકેડેમીને સોંપી દેવામાં આવ્યા છે તે ઉલ્લેખનીય છે.