મોદીના કાફલા પર પથ્થર ફેંકાયો ન હતો, અતિ ઉત્સાહમાં આવેલા યુવકનો મોબાઈલ અથડાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-12-2022

રાત્રિના જબરી સનસનાટી તથા અફડાતફડી સર્જનારી ઘટના અંગે અંતે સત્ય બહાર : ઉત્સાહમાં આવી ગયેલા યુવકના હાથમાંથી મોબાઈલ છટકીને વડાપ્રધાનની કાર સાથે અથડાયો હતો : સુરક્ષા ચૂક થઇ હોવાનો ઇન્કાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગઇકાલે અમદાવાદના રોડ-શો સમયે એક યુવક દ્વારા મોદીની કાર પર પથ્થર ફેંકવાના થયેલા પ્રયાસ અંગેના અહેવાલ બાદ જબરી અફડાતફડી સર્જાઇ ગઇ હતી. શ્રી મોદીનો ગુજરાતમાં છેલ્લા એક માસમાં પ્રવાસો સમયે તેમની સુરક્ષામાં જરાપણ ચૂક થઇ ન હતી.

પરંતુ ગઇકાલે અમદાવાદમાં જે રીતે શ્રી મોદીના રોડ-શો સમયે તેમના કાફલો પસારથતો હતો તે સમયે લાલ દરવાજા પાસે કાર પર પથ્થર ફેંકવાનો પ્રયાસ થયો હોવાના અહેવાલે જબરી સનસનાટી સર્જી હતી. પરંતુ બાદમાં આ સમગ્ર ઘટનામાં કોઇપણ પ્રકારનો કોઇ પથ્થરમારો થયો ન હોવાનું બહાર આવ્યું છે. અહેવાલ મુજબ આ રોડ-શો સમયે વડાપ્રધાનની એક ઝલક જોવા માટે હજારો લોકો ઉમટ્યા હતા અને તે સમયે વડાપ્રધાનના કાફલાની ફોટો લેવાની પણ ભારે ભીડ હતી.

તે સમયે એક યુવકનો મોબાઈલ કોઇપણ પ્રકારે તેના હાથને ધક્કો વાગતા તે હાથમાંથી છટકીને વડાપ્રધાનની કાર સાથે અથડાયો હતો અને તેના કારણે પથ્થર ફેંકાયો હોવાની આશંકા સર્જાય હતી. વાસ્તવમાં મોદીની કાર પર જે રીતે લોકો ફુલ વગેરેની વૃષ્ટિ કરતા હતા તે સમયે જ આ યુવકનો મોબાઈલ તેના હાથમાંથી કોઇપણ પ્રકારે છટકીને અથવા તો તે અતિ ઉત્સાહમાં હોવાથી આ મોબાઈલ મોદીની કાર પાસે જઇ પડ્યો હતો અને તૂર્ત જ સુરક્ષા કર્મચારીઓ સાવધ થઇ ગયા હતા.

આ યુવકને તૂર્ત જ એક બાજુ લઇ જવાયો હતો પરંતુ ફેંકાયેલો પથ્થર નહીં મોબાઈલ હોવાથી પ્રારંભમાં અફડાતફડી વધી હતી અને તેના કારણે સઘન તપાસ શરુ થઇ હતી. બાદમાં જાહેર થયું હતું કે મોદી પર પથ્થર નહીં પણ એક યુવકનો મોબાઈલ જઇ પડ્યો હતો અને તેથી જ આ ઘટના સર્જાઇ હતી. આ અંગે હવે યુવકની પુછપરછ બાદ તેને મુક્ત કરી દેવામાં આવ્યો છે.