સજાતીય કપલની લગ્નની માગઃ કેન્દ્રને જવાબ આપવા સુપ્રીમનો આદેશ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-11-2022

સુપ્રીમ કોર્ટમાં સજાતીય લગ્નની માગણી સાથે બે કપલે અરજી કરી છે. એ સંદર્ભે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સ્પેશિયલ મેરેજ એક્ટ પ્રમાણે લગ્નની નોંધણી શક્ય છે કે નહીં તે બાબતે કેન્દ્રને જવાબ આપવાનો આદેશ સુપ્રીમે કર્યો છે.

સુપ્રીમ કોર્ટમાં બે ગે કપલે લગ્નની મંજૂરી આપવાની માગણી કરતી અરજી કરી છે. સ્પેશિયલ મેરેજ એક્ટ-૧૯૫૪ અંતર્ગત સજાતીય લગ્નને પરવાનગી આપીને નોંધણી કરવાની રજૂઆત સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. એ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને એટર્ની જનરલને નોટિસ પાઠવીને ચાર સપ્તાહમાં જવાબ આપવાનો નિર્દેશ કર્યો છે.

સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત સજાતીય લગ્નની નોંધણી શક્ય છે કે નહીં તે બાબતે હવે કેન્દ્ર સરકાર સુપ્રીમમાં જવાબ આપશે તે પછી વધુ સુનાવણી થશે. મુખ્ય ન્યાયધીશ ડી. વાય ચંદ્રચૂડ અને હિમા કોહલીની બેંચે આ કેસની સુનાવણી કરી હતી.

ઉલ્લેખયની છે કે ૧૦ વર્ષની સાથે રહેતા એક કપલે પીઆઈએ કરી છે. બીજી અરજી ૧૭ વર્ષથી સાથે રહેતા ગે કપલે કરી છે. આ કપલ બે બાળકોની દેખભાળ રાખે છે, પરંતુ સત્તાવાર રીતે લગ્નની પ્રક્રિયા પૂરી થઈ નથી એટલે બાળકો સાથે કાયદાકીય સંબંધ રાખી શકતા નથી. બંનેની એક સરખી માગણી હોવાથી સુપ્રીમે બેય અરજીની સુનાવણી એકસાથે શરૃ કરી છે.

દિલ્હી હાઈકોર્ટ અને કેરળ હાઈકોર્ટમાં પણ સ્પેશિયલ મેરેજ એક્ટ, ફોરેન મેરેજ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટ એમ અલગ અલગ પ્રકારની માગણી સાથે ૯ જેટલી અરજીઓ પેન્ડિંગ છે. આ અરજીઓને સુપ્રીમમાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.