મોરબીના બોરિયાપાટીના રહીશો દ્વારા મતદાન બહિષ્કાર

પ્રાથમિક સુવિધા નહીં મળતી હોવાથી નિર્ણય: કલેકટરને આવેદન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.25-11-2022

ગુજરાતમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. રાજકીય નેતાઓએ પોતાના પક્ષને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે મોરબીનાં છેવાડાના વિસ્તારમાં આવેલ બોરીયાપાટીના વાડી વિસ્તારના રહીશોએ પાયાની સવલતોન અભાવે ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

આ અંગે બોરીયાપાટી વાડી વિસ્તાર ખાતે રહેતા સમસ્ત સતવારા સમાજના રહીશો દ્વારા ચૂંટણી અધિકારી અને મોરબી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આ મુદ્દે આવેદનપત્રમાં રહીશો દ્વારા જણાવ્યા અનુસાર વોર્ડ નં.12ના વિસ્તારમાં વાડી વિસ્તારમાં પાણી, લાઈટ, પોસ્ટ-ટપાલ, રોડ-રસ્તા, સફાઈ સહિતની મૂળભૂત સુવિધાઓનો વર્ષોથી અભાવ છે. આ વિસ્તારમાં સતવારા સમાજની કુલ 21 જેટલીઓ વાડી વિસ્તાર આવેલ આવેલો છે. ટોટલ 3500 જેટલી વસ્તી આવેલ છે. 2 બુથો અને આશરે 1800થી 2200 જેટલાં મતદારોનો સમાવેશ થાય છે. જેમાં ખેડુતો તેમજ શ્રમિક વર્ગનો સમાવેશ થાય છે.

તેઓ વર્ષોથી નિયમિત મતદાન કરે છે. છેલ્લા 20 વર્ષથી તેમના વિસ્તારનો મોરબી નગરપાલીકામાં સમાવેશ પણ કરવામાં આવ્યો છે છતાં પાલીકા દ્વારા તેમને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે. આ મુદ્દે તેમણે સરકારી કચેરીઓમાં તેમજ નેતાઓને અનેક વખત રજુઆત કરી છે પરંતુ તેઓને આજ સુધી પ્રાથમિક સુવીધાઓ પ્રાપ્ત થઈ નથી.

વધુમાં રહીશોએ કહ્યું હતું, તેમણે 2020ની પેટા ચુટણીનો પણ બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. એ વખતે તેમના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો વાયદો લઈને સ્થાનીકથી લઈને રાજ્ય સ્તરના રાજકીય આગેવાનોએ બાંહેધરી લીધી હતી કે 3 જ મહિનામાં કામ ચાલુ થઇ જશે. આ વચનને 2 વર્ષ પૂર્ણ થશે છતાં હજુ સુધી સુવિધા પ્રાપ્ત નથી થઈ જેથી તેમણે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.