ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, સીઝનનો ૧૧૮ ટકા વરસાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-09-2022

અંદાજે ચાર મહિના સુધી ગુજરાત પર હેત વરસાવ્યા બાદ હવે ગુજરાતમાંથી ચોમાસાની વિદાયનું કાઉન્ટ ડાઉન શરૃ થઇ ગયું છે. નૈઋત્યના ચોમાસાએ મંગળવારે કચ્છમાંથી વિદાય લીધી હતી.હવે આવનારા દિવસોમાં રાજ્યના અન્ય ભાગમાંથી પણ ચોમાસું વિદાય લેશે.  ગુજરાતમાં આ વખતે ૩૯.૪૩ ઈંચ સાથે મોસમનો ૧૧૮ ટકા વરસાદ નોંધાયો છે.

છેલ્લા ૬ વર્ષમાં આ વખતે ચોમાસાની સૌથી વહેલી વિદાય છે. અગાઉ ૨૦૧૬માં ૧૫ સપ્ટેમ્બર, ૨૦૧૭માં ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૮માં ૨૯ સપ્ટેમ્બર, ૨૦૧૯માં ૯ ઓક્ટોબર, ૨૦૨૦માં ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧માં ૬ ઓક્ટોબરના નૈઋત્યના ચોમાસાએ વિદાયની શરૃઆત કરી હતી. આ વર્ષે ૧૫ ઓક્ટોબર સુધીમાં સમગ્ર દેશમાંથી ચોમાસું વિદાય લઇ લે તેવી સંભાવના છે. ચોમાસાએ મંગળવારે કચ્છ ઉપરાંત પશ્ચિમ રાજસ્થાનમાંથી પણ વિદાય લીધી હતી. ગુજરાતમાં આ વખતે જૂનના બીજા સપ્તાહથી  નૈઋત્યના ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયો હતો.

આ વખતે  સમગ્ર રાજ્યમાં ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડયો હોય તેવો એકપણ તાલુકો નથી. ૧૦થી ૨૦ ઈંચ વરસાદ પડયો હોય તેવા ૩૪, ૨૦ થી ૪૦ ઈંચ વરસાદ પડયો હોય તેવા ૧૩૦ અને ૪૦ ઈંચથી વધુ વરસાદ પડયો હોય તેવા ૮૭ તાલુકા છે. સરેરાશની રીતે સૌથી વધુ વરસાદ પડયો હોય તેવા રીજીયનમાં કચ્છ મોખરે છે. કચ્છમાં ૩૩.૨૫ ઈંચ સાથે સીઝનનો ૧૮૫ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. કચ્છ ઉપરાંત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં પણ સીઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય  ગુજરાતમાંથી સીઝનનો સૌથી ઓછો ૯૩.૨૬ ટકા વરસાદ પડયો છે.

ગુજરાતમાં ગત વર્ષે ૯૮.૪૮ ટકા, ૨૦૨૦માં ૧૩૬.૮૫ ટકા, ૨૦૧૯માં ૧૪૬.૧૭ ટકા, ૨૦૧૮માં ૭૬.૭૩ ટકા વરસાદ નોંધાયો હતો. આમ, બે વર્ષ બાદ આ વખતે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર  માત્ર આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના છે. આ પછી રાજ્યભરમાં ભારે વરસાદની સંભાવના નહિવત્ છે.