મધ્યમવર્ગીય પરિવારોને પણ મળશે ૫ લાખ સુધીની મફત સારવારઃ કેન્દ્રની વિચારણા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-09-2022

કેન્દ્ર સરકાર ગરીબ-નબળા વર્ગના લોકો માટે જે યોજના ચલાવી રહી છે, તે આયુષ્માન ભારત યોજનાનો લાભ તમામ મધ્યમ વર્ગિય લોકોને આપવા વિચારી રહી હોવાનું સૂત્રો જણાવે છે.

કેન્દ્ર સરકાર પોતાની આરોગ્ય વીમા યોજના ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’નું વિસ્તરણ કરીને નવા લાભાર્થીઓને તે નહીંવત્ પ્રિમિયમથી આપવા અંગે વિચારી રહી હોવાનું સૂત્રો જણાવે છે. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદી દ્વારા ર૦૧૮ માં લોંચ થયેલ આ યોજના અત્યારે ગરીબ અને નબળા વર્ગના લોકો માટે અમલી છે અને તેના હેઠળ ૧૦,૭૪,૦૦,૦૦૦ પરિવારોને પાંચ લાખ રૃપિયાનું વીમા કવચ મળે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ યોજનાને વધુ મજબૂત બનાવીને જરૃરિયાતમંદ બધા લોકોને આ યોજનાનો લાભ મળે તેવી પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે. જેઓ ચૂકવી શકે તેમ છે તેવા લોકોને બહુ ઓછા પ્રિમિયમે આ યોજનાનો લાભ આપવા પર ધ્યાન અપાઈ રહ્યું છે. જે અત્યારના લાભાર્થીઓના લીસ્ટથી અલગ હશે.

મધ્યમ વર્ગ કે જે નથી ગરીબ કે નથી પૈસાદાર અને જે કોઈપણ મેડિકલ વીમા યોજના હેઠળ કવર નથી તેમની સંખ્યા મોટી છે અને તેના પર ધ્યાન આપવું જરૃરી હોવાથી આ વિચારણા હાથ ધરાઈ હોવાનું જાણવા મળે છે.

આ યોજનામાં વસતિ ગણતરી અને રાષ્ટ્ીય આરોગ્ય વીમા યોજનાના ડેટાના આધારે નક્કી કરાયેલ ગરીબ અને નબળા વર્ગના લોકોને કવર કરાયા છે. અત્યારે આ યોજના માટે વ્યક્તિ અને રાજ્ય સરકાર ૬૦/૪૦ ના રેશિયોથી ચૂકવે છે. દેશમાં લોકો વર્ષે ૧ લાખ પણ કમાય છે અને ૧૦ લાખ કમાનાર લોકો પણ છે. જો ધ્યાનથી જોઈએ તો ૧૦ લાખ કમાનારની આવક વધારે છે પણ તેઓ આરોગ્ય ખર્ચ ભોગી શકે તેમ નથી. એટલે આપણે લાભાર્થીઓની યાદી વિસ્તારવાની જરૃર છે અને આના પર ગંભીરતાપૂર્વક કામ થઈ રહ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.