હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-08-2022

આ દિવસે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, જૂનાગઢ, મહેસાણ, ભરૂચ અને સુરત વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમરેલી, સાબરકાંઠા, આણંદ, વડોદરા, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન બનાસકાંઠા, કચ્છ અને પાટણ જિલ્લાના અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતી ના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં બે દિવસ વરસાદ રહેશે. ગુજરાત રિઝનમાં આવતીકાલ એટલે કે 18મી ઓગસ્ટથી વરસાદનું જોર ઘડી જશે. સૌરાષ્ટ્રમાં 19મી ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે. આગામી 24 કલાકમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે.

17મી ઓગસ્ટ: આ દિવસે કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી છે. દેવભૂમિ દ્વારકા, મોરબી, રાજકોટ, જૂનાગઢ, મહેસાણ, ભરૂચ અને સુરત વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમરેલી, સાબરકાંઠા, આણંદ, વડોદરા, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.

આ તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. આ દિવસ કચ્છમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. 18મી ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે.

ગુજરાતમાં પડેલો વરસાદ

ગુજરાતમાં અત્યારસુધી પડેલા વરસાદની વિગત જોઈએ તો સરેરાશ 93.32 ટકા વરસાદ પડ્યો છે. જેમાં કચ્છમાં 143.22 ટકા, ઉત્તર ગુજરાતમાં 90.49 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 77.78 ટકા, સૌરાષ્ટ્રમાં 84.44 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 104.42 ટકા વરસાદ પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદની વિગત જોઈએ તો 246 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં પોણા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 81 તાલુકા એવા છે જ્યાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 134 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.

ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું

મહેસાણાના ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં પણી છોડાયું છે. જેના પગલે અમદાવાદ શહેર અને ધોળકા તાલુકાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના જમાલપુર, રાયખડ, કોચરબ, સુભાષ બ્રિજના વિસ્તારને એલર્ટ કરાયા છે.

રાજ્યના કુલ 207 જળાશયો 76 ટકાથી વધુ જળસંગ્રહ

રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ 207 જળાશયોમાં તા. 17 ઓગસ્ટ, 2022 સુધીમાં 76.69 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૮૬,૦૫૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૫.૬૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલા અહેવાલો મુજબ સરદાર સરોવર (Sardar Sarovar) સિવાય રાજ્યના 206 જળાશયોમાં ૩,૯૮,૨૪૭ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૭૧.૩૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.