ભારતમાં એક મહિનાની અંદર શરૂ થઈ જશે 5G મોબાઈલ સેવા

દૂરસંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની મહત્ત્વની જાહેરાત: વર્ષના અંત સુધીમાં સ્વદેશી રીતે વિકસિત-નિર્મિત 5G સ્ટેક કરી લેવાશે તૈયાર

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-08-2022

દૂરસંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે મહત્ત્વની જાહેરાત કરતાં કહ્યું કે લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે 5જી સેવા અંદાજે એક મહિનાની અંદર શરૂ થઈ જશે. આ સેવાનો તમામ ક્ષેત્રોના વિકાસ ઉપર સકારાત્મક પ્રભાવ પડશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. તેમણે એશિયા અને ઓશિનિયા ક્ષેત્ર માટે આંતરરાષ્ટ્રીય દૂરસંચાર સંઘના એક કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરવા દરમિયાન આ જાહેરાત કરી હતી.

મંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું કે, ભારતમાં 5જી નેટવર્કને લાગુ કરવા માટે અમે વર્ષના અંત સુધી સ્વદેશી રીતે વિકસિત અને નિર્મિત 5જી સ્ટેક તૈયાર કરી લેશું. ભારતીય દૂરસંચાર બજારમાં વૃદ્ધિ મોદી સરકારની બજાર અનુકુળ નીતિઓને કારણે જ થઈ હોવાનો દાવો તેમણે કર્યો હતો.

તેમણે કહ્યું કે અમે દૂરસંચાર ક્ષેત્રમાં અનેક સંરચનાત્મક અને પ્રક્રિયાત્મક સુધારાઓની શરૂઆત કરી છે. પરિણામે ભારતમાં તાજેતરમાં જ 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં 1.5 લાખ કરોડ રૂપિયા સુધીની બોલીઓ લાગી છે.

1000 શહેરોમાં ટૂંક સમયમાં 5G સેવા શરૂ કરશે જીયો: એરટેલ પણ તૈયારીમાં

રિલાયન્સ જિયોએ અંદાજે એક હજાર શહેરોમાં 5જી સેવાઓ શરૂ કરવાની તૈયારીઓ કરી લીધી છે. રિલાયન્સ જિયો ઈન્ફોકૉમના ચેરમેન આકાશ અંબાણી આ અંગેનો સંકેત આપી ચૂક્યા છે કે આઝાદી કા અમૃત મહોત્સવને 5જી સાથે મનાવવામાં આવશે. આ સાથે જ ભારતી એરટેલે કહ્યું કે તેણે એરિક્સન, નોકિયા અને સેમસંગ સાથે 5જી નેટવર્ક સમજૂતિ કરી છે જેના હેઠળ આ મહિને ઉપકરણો બજારમાં લાવી દેવાશે.