નેચરલ ગેસને ટક્કર આપતો પ્રોપેન ગેસ: મોરબીના 150થી વધુ કારખાના વૈકલ્પિક ગેસથી ધમધમ્યા

14 રૂપિયા ભાવ સસ્તો: પ્રોડક્શન કોસ્ટમાં ઘટાડો: મોનોપોલી તૂટતા રાહત: અચ્છે દિનની શરૂઆત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-07-2022

(મનિષા કે. ગોંડલિયા દ્વારા) મોરબી સીરામીક ઉદ્યોગકારો દ્વારા હાલમાં તેમના યુનિટમાં નેચરલ ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે જો કે, સિરામિક માલની પડતર કિંમત નીચી લાવવા માટે નેચરલ ગેસની જગ્યાએ ધીમેધીમે કરતાં આજની તારીખે મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલા 150 જેટલા યુનિટોમાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સિરામિક ઉદ્યોગકારો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આજની તારીખે પ્રોપેન ગેસના ભાવ નેચરલ ગેસની સામે 14 રૂપિયા ઓછા છે જેથી કરીને 150 થી વધુ કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ થઈ ગયો છે અને હાલમાં નેચરલ ગેસનો ઉપયોગ કરતાં સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે જેથી કરીને આગામી દિવસોમાં હજુ પણ પ્રોપેન ગેસના ગ્રાહકોની સંખ્યામાં વધારો થાય તેવી પૂરેપુરી શ્ક્યતા છે.

સીરામીક ઉદ્યોગના અચ્છે દિન કયારે આવશે તેવો ગણગણાટ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યો છે તેવામાં નેચરલ ગેસની સાથે સાથે પ્રોપેન ગેસનો પણ વિકલ્પ ખુલ્લો રાખનારા ઉદ્યોગકારો માટે હાલમાં અચ્છે દિન આવી ગયા છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી કેમ કે, હાલમાં મોરબીના જે સિરામિક ઉદ્યોગકારો દ્વારા તેમાં કારખાનામાં સિરામિક ટાઇલ્સના ઉત્પાદન માટે પ્રોપેન ગેસનો ઉપયોગ કરી રહ્યા છે તેને નેચરલ ગેસ કરતાં પ્રોપેન ગેસ સસ્તો પડી રહ્યો છે અત્રે ઉલેખનીય છે કે, અહીના ઉદ્યોગમાં પહેલા કોલ ગેસ વપરાતો હતો

જેને બંધ કરાવવામાં આવ્યા બાદ નેચરલ ગેસ સિવાય બીજો કોઈ વિકલ્પ મોરબીના ઉદ્યોગકારો પાસે હતો નહીં જો કે, નેચરલ ગેસના ભાવમાં સતત વધારો કરવામાં આવતા સિરામિક ઉદ્યોગકારો દ્વારા નેચરલ ગેસના વિકલ્પને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને આજની તારીખે ઘણા કારખાનામાં સિરામિક ટાઇલ્સના ઉત્પાદન માટે પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ થઈ ગયો છે પ્રોપેન ગેસના ગ્રાહકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

મોરબીના ઉદ્યોગકારો માલની પડતર કિંમત નીચી લાવવા માટે ગુજરાત ગેસ કંપનીના નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે અને પહેલા 100 જેટલા કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો જો કે, આજની તારીખે 150 કરતાં વધુ સિરામિક કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં હજુ લગભગ 100 થી વધુ કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કરવા માટેની કવાયત ચાલી રહી છે.

સીરામીક ઉદ્યોગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજની તારીખે મોરબીમાં 64 રૂપિયાની આસપાસના ભાવેથી ટેક્સ સાથે નેચરલ ગેસ સિરામિક ઉદ્યોગકારોને આપવામાં આવે છે જો કે, ગુજરાત ગેસના ભાવ કરતાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોને હાલમાં પ્રોપેન ગેસ 14 રૂપિયા સસ્તો પડી રહયો છે જેથી કરીને પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને જો સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે તો માલની પડતર કિંમત નીચી આવે છે જેથી કરીને નેશનલ અને ઇન્ટર નેશનલ માર્કેટમાં ટકી રહેવા માટે ઉદ્યોગકારોને પ્રોપેન ગેસ ઑક્સીજન સમાન બની રહયો છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના 150 કરતાં વધુ કારખાનામાં નેચરલ ગેસની જગ્યાએ પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં મોરબીની આસપાસમાં આવી રહેલા નવા યુનિટ તેમજ જૂના યુનિટોમાં લગભગ 100 થી વધુ કારખાનામાં પ્રોપેન ગેસના ટેન્ક મૂકવામાં આવે તેવી શક્યતા છે, અગાઉ પ્રોપેન ગેસની સપ્લાઈની ચેન તૂટી ગયેલ હતી ત્યારે કારખાનેદારો થોડા સમય માટે મુશ્કેલીમાં મુકાયા હતા જો કે, ભવિષ્યમાં આવી

પરિસ્થિતી ન આવે તે માટે પ્રોપેન ગેસની સપ્લાઈ કરતી કંપની દ્વારા ગેસની યોગ્ય વ્યવસ્થા કરી લેવામાં આવે તે જરૂરી છે જો કે, હાલમાં જે કારખાનામાં નેચરલ ગેસના બદલે પ્રોપેન ગેસનો વપરાશ કરીને ઉત્પાદન કરવામાં આવી રહયું છે તેમણે પ્રતિ કિલોમાં 14 રૂપિયાનો ભાવ ફેરનો લાભ મળી રહ્યો છે જેથી પ્રોપેન ગેસનો ઉપયોગ કરનારા કારખાનેદારોને હાલમાં આચ્છેદિન છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી.