પેટ્રોલમાં ઈથેનોલનું બ્લેન્ડિંગ વધશે પણ ભાવ નહિ ઘટે, કંપનીઓને થશે ફાયદો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-07-2022

(ચિરાગ ધરજીયા) કેન્દ્ર સરકારે પેટ્રોલ- ડીઝલમાં ઇથેનોલના બ્લેન્ડિંગનું ઉચ્ચ પ્રમાણ અને વનસ્પતિ તેલ મિશ્રણને પ્રોત્સાહિત કરવા માટે બાયોફ્યુઅલ પરની એક્સાઇઝ ડ્યૂટી મુક્તિનું વિસ્તરણ કર્યુ છે.

નાણાં મંત્રાલયે ઇથેનોલ મિશ્રણવાળા પેટ્રોલને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી ઘોષણા કરી છે કે, હવે 12થી 15 ટકા ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી નહી ચૂકવવી પડે, જ્યારે હાલ એક્સાઇઝ ડ્યૂટીની મુક્તિ મર્યાદા 10 ટકા હતી. તો ડીઝલના કિસ્સામાં ડીઝલ માટે વેજિટેબલ ઓઇલમાંથી મેળવેલા લોંગ ચેઈન ફેટી એસિડના આલ્કાઈલ એસ્ટરના 20% મિશ્રણ પર એક્સાઇઝ ડ્યૂટીમાંથી મુક્તિ મળશે..

ક્રૂડ ઓઇલના ઊંચા ભાવના લીધે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ખોટ ખાઇને ઇંધણ વેચી રહી છે. આથી તેમને થોડીક રાહત આપવા માટે એક્સાઇઝ ડ્યૂટીની મુક્તિ મર્યાદા વધારાઇ છે. સરકારના આ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલ સસ્તા નહીં થાય, માત્ર ઇથેનોલનું પ્રમાણ વધશે.

સરકાર આગામી એપ્રિલથી દેશના કેટલાંક વિસ્તારોમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલનું મિશ્રણ કરવાની યોજના ધરાવે છે અને ત્યારબાદ દેશના બાકીના પ્રદેશોમાં તેનો અમલ વર્ષ 2025-26થી કરાશે.

ભારતે પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલના બ્લેન્ડિંગનો લક્ષ્યાંક નિર્ધારિત પાંચ મહિના પહેલા જ જૂનમાં હાંસલ કરી લીધો છે, જ્યારે બ્લેન્ડિંગનું આ પ્રમાણ વર્ષ 2014માં માત્ર દોઢ ટકા હતુ. એપ્રિલ 2023ના ટાર્ગેટ પહેલા દેશના પસંદગીના પેટ્રોલ પંપ પર 20% ઇથેનોલનું મિશ્રણ ધરાવતું પેટ્રોલ ઉપલબ્ધ થઈ શકે છે.