WhatsApp પર આવશે Digilocker સર્વિસ, જાણો તેનાથી તમને શું થશે ફાયદો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-05-2022

ડિજિલોકર સર્વિસ (Digilocker) હવે તમારા વોટ્સએપ (WhatsApp) પર આવશે. સરકારી સેવાઓને એકદમ હાથવગી બનાવવાની પહેલ કરતા સરકારે જાહેરાત કરી છે કે નાગરિકો હવે MyGov Helpdeskનો ઉપયોગ તેમના વોટ્સએપ પર કરી શકશે અને તેના દ્વારા તેઓ ડિજિલોકર સર્વિસનો પણ લાભ લઈ શકશે. આમાં નવું ડિજિલોકર એકાઉન્ટ ઓપન કરવા તથા ડિજિલોકરનું ઓથેન્ટિકેશન કરવું, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વાહણ નોંધણી સર્ટિફિકેટ અને અન્ય સુવિધાઓ સામેલ છે જે વોટ્સએપ દ્વારા કરી શકાશે.

ડિજિલોકર શું છે?

જે લોકો નથી જાણતા તેમના માટે કે ડિજિલોકર એક એવી સર્વિસ છે જ્યાં ભારતીય નાગરિકો ગમે ત્યારે ગમે ત્યાં પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ એક્સેસ કરી શકે છે. ડિજિલોકરમાં સ્ટોર કરવામાં આવેલા ડોક્યુમેન્ટ ઓરિજિનલ જેટલા જ કાયદેસર છે. ડિજિલોકર વેરિફિકેશન મોડ્યુલ પૂરું પાડવામાં પણ મદદ કરે છે જે સરકારી એજન્સીઓને યુઝર્સની સંમતિ મેળવ્યા પછી સીધા જારીકર્તા પાસેથી ડેટા ચકાસવામાં સક્ષમ કરે છે.

MyGov Helpdesk વોટ્સએપ પર ભારત સરકારની ઓન-લાઈન ચેટબોટ કે હેલ્પડેસ્ક છે. આ સર્વિસને માર્ચ 2022માં લોન્ચ કરવામાં આવી હતી અને વોટ્સએપ પર તે MyGov Corona Helpdesk તરીકે ઓળખવામાં આવી હતી. આ યુઝર્સને વેક્સિન માટેની એપોઈન્ટમેન્ટ બૂકિંગ અને વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવામાં મદદ કરતી હતી. કોરોના બાદ સરકારે તેનો ઉપયોગ આગળ વધારવા માટે તેનું નામ બદલી નાંખ્યું છે. વોટ્સએપ પર ડિજિલોકર અને માયગવ ચેટબોટને લાવવાનો હેતું નાગરિકો માટે સંસાધનો અને આવશ્યક સેવાઓ કે જે ડિજિટલી સમાવિષ્ટ હોય તે એક્સેસ કરવા માટે વ્યાપક વહીવટી સહાય પ્રણાલીનું નિર્માણ કરવાનો છે.

વોટ્સએપ પર MyGov Helpdesk કઈ સર્વિસ પૂરી પાડશે

વોટ્સએપ પર નાગરિકો માયગવ હેલ્પડેસ્ક પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, સીબીએસઈ ધો-12 પાસિંગ સર્ટિફિકેટ, વ્હિકલ રેજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઈન્સ્યુરન્સ પોલિસી-ટુ વ્હીલર, ધોરણ-10ની માર્કશીટ, ધોરણ-12ની માર્કશીટ અને ઈન્સ્યોરન્સ પોલિસી ડોક્યુમેન્ટ એક્સેસ કરી શકશે.

વોટ્સએપ પર માયગવ હેલ્પડેસ્કનો ઉપયોગ કેવી રીતે કરશો?

દેશભરના વોટ્સએપ યુઝર્સે +91 9013151515 નંબર પોતાના વોટ્સએપ કોન્ટેક્ટ્સમાં સેવ કરવો પડશે. આ નંબર સેવ થઈ ગયા બાદ યુઝર્સ વોટ્સએપ પર આ નંબર પર ‘નમસ્તે’ અથવા ‘હાઈ’ અથવા ‘ડિજિલોકર’ લખીને ચેટબોટનો ઉપયોગ કરી શકશે. હવે બે વિકલ્પ જોવા મળશે. એક હશે કોવિન સર્વિસ અને બીજી હશે ડિજિલોકર સર્વિસ.

જ્યારે યુઝર ડિજિલોકરનો વિકલ્પ પસંદ કરશે, તે યુઝરના આધારકાર્ડની ખરાઈ કરશે અને ઓટીપી મોકલશે. એક વખત ખરાઈ થઈ ગયા બાદ તે ડિજિલોકર પર ઉપલબ્ધ ડોક્યુમેન્ટ્સની માહિતી યુઝરને આપશે. યુઝર મોબાઈલ નંબર શેર કર્યા બાદ કોઈ પણ ડોક્યુમેન્ટને એક્સેસ કરી શકે છે. તે મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે, ખરાઈ થઈ ગયા બાદ યુઝર ડોક્યુમેન્ટને ડાઉલોડ કરી શકશે.