હવે આ લોકો નહીં ખરીદી શકે નવું સિમ કાર્ડ, જાણો સરકારના નવા નિયમ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.24-05-2022

નવો સિમ (New SIM Card) લેવા માટે આપણે સામાન્ય રીતે શું કરીએ છીએ? આપણે કોઈ લોકલ સ્ટોર પર જઈએ છીએ અને આઇડી કાર્ડ દ્વારા આપણને સિમ અલોટ થઈ જાય છે અને તે અમુક કલાકોમાં એક્ટિવેટ પણ થઈ જાય છે. પરંતુ, હવે એવું નહીં થાય. જો તમે નવો સિમ ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો પહેલા આ સમાચાર જરૂર વાંચી લો. સરકારે સિમ કાર્ડને લઇને નિયમો (New SIM Rules)માં ફેરફાર કર્યા છે.

આ નિયમો હેઠળ હવે અમુક કસ્ટમર્સ માટે નવો સિમ લેવો વધુ સરળ બની જશે, તો અમુક કસ્ટમર્સ માટે નવો સિમ લેવામાં મુશ્કેલી વધી શકે છે. નવો સિમ કાર્ડ લેવા માટે સરકારે ઓનલાઇન (Online SIM Service) સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. ઓનલાઇન અપ્લાય કરવા પર ઘરે જ સિમ પહોંચાડી દેવામાં આવશે.

આ લોકોને નહીં મળે સિમ

સરકારે સિમ માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે 18 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકોને સિમ કાર્ડ આપવામાં આવશે નહીં. હવે ટેલિકોમ કંપનીઓ 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સિમ કાર્ડ જારી નહીં કરી શકે. આ સાથે જ જે લોકોની માનસિક સ્થિતિ બરાબર નથી તેમને પણ નવો સિમ જારી કરવામાં આવશે નહીં. જે લોકો સરકારે બનાવેલા નિયમોનું પાલન નહીં કરે, તેમને દોષી માનીને તેમના પર સખત કાર્યવાહી કરવામાં આવશે.

ગ્રાહક જાતે કરી શકશે વેરિફાઈ

18 વર્ષથી ઉપરના લોકો નવા સિમ માટે આધાર કે ડિજીલોકરમાં સ્ટોર્ડ કોઇપણ ડોક્યુમેન્ટથી પોતાને વેરિફાઈ કરી શકે છે. વાસ્તવમાં આ બધા નવા નિયમ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશને (Department of Telecommunication – DoT) લાગુ કર્યા છે.

DoT અનુસાર, ગ્રાહકોને મોબાઇલ કનેક્શન એપ/પોર્ટલ બેસ્ડ પ્રોસેસ દ્વારા આપવામાં આવશે, જેમાં ગ્રાહક ઘરે બેઠા મોબાઇલ કનેક્શન માટે અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ (DoT)નું આ પગલું કેબિનેટ દ્વારા 15 સપ્ટેમ્બરના રોજ મંજૂર કરાયેલા ટેલિકોમ સુધારાનો એક ભાગ છે.

1 રૂપિયામાં થશે e-KYC

નવા નિયમો મુજબ, યુઝર્સને નવા મોબાઇલ કનેક્શન (New Mobile Connection) માટે UIDAI ની Aadhaar બેસ્ડ e-KYC સર્વિસનો ઉપયોગ કરવાનો રહેશે. તેના દ્વારા વેરિફિકેશન માટે તમારે માત્ર 1 રૂપિયો ખર્ચ કરવો પડશે.