ક્રિપ્ટો કરન્સીને સરકાર ગેરકાયદે જાહેર કરે તે દેશના હિતમાં

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-05-2022

ક્રિપ્ટો કરન્સી કે ડિજિટલ ચલણ ફરી એક વાર ચર્ચામાં છે. આ વિશિષ્ટ પ્રકારના ચલણને અસ્તિત્વમાં આવ્યાને એક દાયકા કરતા વધુ સમય થયો છે પરંતુ હજી પણ દુનિયાના મોટા ભાગના દેશોએ આ ચલણને માન્યતા આપી નથી અને આ ડિજિટલ ચલણ હજી પણ શંકાઓ ઉપજાવનારુ જ રહ્યું છે. અનેક નિષ્ણાતો આ ચલણને ખૂબ જોખમી અને અર્થતંત્રમાં વ્યાપક અસ્થિરતા સર્જી શકે તેવું ગણાવ્યું છે અને તેમની વાત અનેક વખત સાચી પડતી જણાઇ છે. દુનિયામાં સોથી પહેલા પ્રચલિત બનેલું બિટકોઇન તો અનેક જંગી ચડાવ ઉતાર જોઇ ચુક્યું છે.

તેમાં ઘણા લોકો કમાયા છે તો ઘણા રોકાણકારોની મિલકતો ધોવાઇ ગઇ છે. બિટકોઇન પછી એક પછી એક અસ્તિત્વમાં આવેલા ક્રિપ્ટો ચલણો પણ આ જ રીતે મોટા ચડાવ ઉતાર બતાવવા માંડ્યા. હાલ છેલ્લા થોડાક દિવસમાં લગભગ તમામ પ્રકારની ક્રિપ્ટોકરન્સીઓની કિંમતોમાં જે મોટું ધોવાણ થયું છે તેના પરથી નિષ્ણાતો અને વિશ્ર્લેષકોનો એ ભય ફરી એકવાર સાચો પુરવાર થયો છે કે આ ડિજિટલ ચલણ અર્થતંત્ર માટે ખૂબ જોખમી સાબિત થઇ શકે છે. અને નિયંત્રણ હીન સ્થિતિમાં તેના સોદાઓ વિશ્વભરમાં બેરોકટોક થાય છે તે સ્થિતિ વધુ જોખમી બની રહી છે.

હાલમાં ગુરુવારે અનેક ક્રિપ્ટોકરન્સીઓ અને ડિજિટલ ચલણની કિંમતો મોટા પ્રમાણમાં ગગડી ગઇ હતી અને પરિણામે ક્રિપ્ટો બજારમાં રોકાણકારોની અબજો ડોલરની મિલકતો ધોવાઇ ગઇ. જે વિશ્વની સૌથી પહેલી અને સૌથી વધુ પ્રચલિત ક્રિપ્ટોકરન્સી મનાય છે તે બિટકોઇનમાં 11.24 ટકાનો ઘટાડો થયો જ્યારે 24 કલાકના ગાળામાં ઇથેરિયમ 20 ટકા જેટલો ગગડી ગયો, લુના નામના એક બહુ જાણીતા નહીં એવા ડિજિટલ ચલણમાં તો 98 ટકા જેટલો જંગી કડાકો સર્જાયો! ક્રિપ્ટો-વિન્ટર કહેવાતી ઘટનામાં લગભગ તમામ જાતના ક્રિપ્ટોચલણોમાં ગુરુવારે મોટા કડાકા સર્જાયા છે. વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું ક્રિપ્ટોચલણ ઇથેરિયમ પણ આ કડાકાઓમાં જોડાયું છે અને તેના મૂલ્યમાં 20 ટકાનું ધોવાણ થયું છે. ક્રિપ્ટોકરન્સીઓમાં હાલ થયેલા મોટા ધોવાણ માટેનું કારણ એ આપવામાં આવે છે કે રોગચાળા દરમ્યાન અર્થતંત્રને વેગ આપવા માટે વિશ્વભરના દેશોમાં ધિરાણના દરો વિક્રમી નીચા દરે ગયા હતા પરિણામે રોકાણકારો ઉંચા વળતરની લાલચે ક્રિપ્ટોકરન્સી જેવી જોખમી મિલકતોમાં રોકાણ કરવા પ્રેરાયા હતા. જો કે હવે અનેક દેશોમાં ફુગાવો આભને આંબવા માંડ્યો છે ત્યારે વ્યાજના દરોમાં વધારો થવા માંડ્યો છે પરિણામે આ જોખમી મિલકતો સલામત સરકારી બોન્ડો ખરીદવા માટે રોકાણકારોએ વેચવા માંડી છે તેથી ક્રિપ્ટો જેવી મિલકતોની કિંમતમાં ધોવાણ થવા માંડ્યું છે.

આ ક્રિપ્ટોકરન્સીઓને સત્તાવાર માન્યતા આપવા અંગે દુનિયાના દેશોની સરકારો હજી અવઢવમાં છે. આ ચલણ અત્યાર સુધી અનિયંત્રિત જ રહ્યું છે. મોટા ભાગના દેશોમાં એવી સ્થિત છે કે આ ચલણને ગેરકાયદે પણ જાહેર કરાયું નથી તો તેને સત્તાવાર માન્યતા પણ અપાઇ નથી. ભારત સરકારે પણ તેને સત્તાવાર માન્યતા આપવાથી દૂર જ રહેવાનું પસંદ કર્યું છે અને તેના જોખમો અંગે લોકોને સરકારે અનેકવાર સાવધ કર્યા છે. મધ્ય અમેરિકાના અલ-સાલ્વાડોર નામના એક દેશે બિટકોઇનને સત્તાવાર માન્યતા આપી છે અને તેમાં મોટું રોકાણ પણ કર્યું છે, પરંતુ હાલના કડાકામાં તેને મોટુ નુકસાન ગયું છે અને આ નાનકડા દેશનું અર્થતંત્ર હચમચી જાય તેવા સંજોગો ઉભા થયા છે. આવી સ્થિતિમાં હવે વિશ્વના દેશો ક્રિપ્ટોકરન્સીઓ અંગે કોઇ નક્કર નિર્ણય લઇ લે અને ક્યાં તો આ ચલણને માન્યતા આપીને વ્યવસ્થિત નિયમનો હેઠળ મૂકે ક્યાં તો તેને સદંતર ગેરકાયદે જાહેર કરી દે તે હવે સમયનો તકાજો છે.