હવે રેશનીંગની દુકાનો પરથી આધાર-પાન સહિતની ડીજીટલ સેવા મળશે

 દેશના ખુણે-ખુણે ડીજીટલ-નાણાકીય સેવા પહોંચાડવાની દિશામાં વધુ એક કદમ
સેવા કેન્દ્રોને રેશનીંગની દુકાનો સાથે લીંક કરાશે: રેલવે ટિકીટ બુકીંગથી માંડીને બેંક બેલેન્સ સહિતની સવલતો ઉપલબ્ધ થશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-02-2022

દેશના અંતરિયાળ ભાગો તથા ખુણે-ખુણે ડીજીટલ તથા નાણાંકીય સેવા પહોંચાડવા મથતી કેન્દ્ર સરકારે આ માટે હવે નવો પ્રોજેકટ હાથ પર લીધો છે. સસ્તા અનાજની, રેશનીંગની દુકાનો પરથી આ તમામ પ્રકારની નાણાકીય સેવા ઉપલબ્ધ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયા છે. કેન્દ્રીય ઈલેકટ્રોનીકસ તથા સૂચના પ્રૌદ્યોગીકી મંત્રાલય આ પ્રોજેકટ પર કામ કરી રહ્યું છે. મંત્રાલય દ્વારા આવતા એક વર્ષમાં સમગ્ર દેશમાં 10000 રેશનીંગ દુકાનો પરથી ડીજીટલ સેવા ઉપલબ્ધ કરાવવાનો ટારગેટ નકકી કર્યો છે. કેન્દ્રના બે મંત્રાલયો વચ્ચે પણ આ માટે કરાર થશે.

આ પ્રોજેકટથી રેશનીંગના દુકાનદારો માટે આવકનો નવો સ્ત્રોત ઉભો કરી શકાશે. આ પ્રોજેકટ અંતર્ગત સામાન્ય સેવા કેન્દ્રોને રેશનીંગ દુકાનો સાથે જોડવામાં આવશે. સામાન્ય સેવા કેન્દ્રો પરથી આધારકાર્ડ, પાનકાર્ડ રજીસ્ટ્રેશન, રેલવે ટીકીટ બુકીંગ, ગીત ડાઉનલોડ, બેંક બેલેન્સની જાણકારી ઉપરાંત ગ્રામીણ યોજનાઓની સેવા પ્રદાન કરવામાં આવે છે.

* રેશનીંગ વિક્રેતાઓ માટે આવકનો નવો સ્ત્રોત ઉભો થશે: 10 લાખ સુધીની લોન સહાયની પણ જોગવાઈ

હાલ દેશમાં 3 લાખ આવા કેન્દ્રો કાર્યરત છે. બીજી તરફ દેશમાં રેશનીંગની 5.34 લાખ દુકાનો છે તેના મારફત 80 કરોડથી વધુ લોકોને 60થી70 ટન અનાજનું વિતરણ કરવામાં આવે છે. દર મહીને લાખોની સંખ્યામાં લોકો રેશનીંગની દુકાનો પર જાય છે એટલે રેશનીંગ વિક્રેતાઓને નવી આવકનો સ્ત્રોત ઉભો થઈ શકે છે.અન્ન મંત્રાલય પણ આ પ્રોજેકટમાં સામેલ થયુ છે. ડીજીટલ તથા નાણાકીય સેવા પ્રદાન કરનાર રેશનીંગની દુકાનોને અલગ કલર-કોડ આપવામાં આવશે.

જેથી આવી રેશનીંગ દુકાનોની જાહેર સેવા ડીલીવરી પોઈન્ટ તરીકે ઓળખ થઈ શકશે. આ ઉપરાંત રેશનીંગ વિક્રેતા વડાપ્રધાન મુદ્રા યોજના અંતર્ગત 10 લાખ રૂપિયાની લોન લઈ શકે તેવી યોજના અન્ન મંત્રાલય- નાણાં વિભાગ તથા સ્ટેટ બેંકે સંયુક્ત રૂપે તૈયાર કરી છે. ઉપરાંત બીનઆવશ્યક ચીજોનું પણ વેચાણ કરી શકે તે માટે મોટી દુકાન કે ઈમારત બાંધવા માટે આ લોન આપવામાં આવશે.