લગ્ન પછી પત્ની પ્રેમીને ફોન કરે તો તે વૈવાહિક ક્રૂરતા

દંપતીના વિવાદમાં કેરલ હાઇકોર્ટનો ચુકાદો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.21-02-2022

લગ્ન પછીના અફેરના એક મામલામાં કેરળ હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરતા મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કેરળ હાઈકોર્ટે પતિની ચેતવણી છતાં પત્નીએ પ્રેમીને બોલાવવાના કેસમાં છૂટાછેડાનો આદેશ આપ્યો. જસ્ટિસ કૌસર ઈદાપ્પગથે પોતાના ચુકાદામાં કહ્યું કે જો કોઈ પત્ની તેના પતિની ચેતવણી છતાં તેના પ્રેમીને બોલાવે તો તે વૈવાહિક ક્રૂરતા છે.

એક પતિએ તેની પત્ની પર બેવફાઈનો આરોપ લગાવ્યો અને કોર્ટમાં છૂટાછેડાની માંગ કરી. લાઈવલોના રિપોર્ટ અનુસાર, કપલના લગ્નના થોડા દિવસો બાદ વર્ષ 2012માં બંને વચ્ચે અણબનાવ થયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે થોડા દિવસો પછી પત્નીએ પતિ અને તેના પરિવારના સભ્યો પર મારપીટનો આરોપ લગાવી ફરિયાદ નોંધાવી. તે પહેલા પતિને શંકા હતી કે પત્નીને તેની ઓફિસમાં કામ કરતા અન્ય પુરુષ સાથે અફેર છે. પતિએ બંને વચ્ચે અંતરંગ વાતો પણ સાંભળી હતી. આ પછી તેણે તેની પત્નીને ચેતવણી આપીને ફોન કરવાની ના પાડી. પરંતુ તેમ છતાં પત્નીએ સાંભળ્યું નહીં અને પ્રેમીને ફોન કરવાનું ચાલુ રાખ્યું.

પતિએ બંનેને ઓફિસમાં મળતાં જ જોયા હતાં. તેની પાસે બહાર બંનેની મુલાકાતના પૂરતા પુરાવા નહોતા, પરંતુ તેની પત્ની એક જ દિવસમાં ઘણી વખત બીજા પુરુષને ફોન કરતી હતી. જેના કારણે પતિ વારંવાર નારાજ થતો હતો અને પત્નીને ચેતવતો હતો. પતિએ કહ્યું કે પત્નીના કારણે તેને પણ તે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, પત્નીએ સ્પષ્ટતા કરી હતી કે તે અન્ય વ્યક્તિને ક્યારેક-ક્યારેક જ ફોન કરતી હતી, પરંતુ કોલ ડિટેઈલમાં વાસ્તવિકતા કંઈક બીજી જ હોવાનું બહાર આવ્યું છે. પોતાના નિર્ણયમાં કોર્ટે કહ્યું કે બંને ત્રણ વખત અલગ થયા અને પછી કાઉન્સેલિંગ સેશનને કારણે એક થઈ ગયા, તેથી પત્નીએ વધુ સાવધ રહેવાની જરૂર છે. જો પતિની ચેતવણી બાદ પત્ની ગુપ્ત કોલ કરે તો તેને વૈવાહિક ક્રૂરતા ગણવામાં આવશે.