LICના IPO અને કોરોનાથી થયેલા મોત વચ્ચે શું સંબંધ છે? માનવામાં ન આવે તેવો વિવાદ જાગ્યો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-02-2022

દેશની સૌથી મોટી જીવનવીમા કંપની એલઆઈસી (LIC) ટૂંક સમયમાં પોતાનો આઈપીઓ લાવી રહી છે. રૂ. 60,000 કરોડના આઇપીઓ અગાઉ એક વિવાદ શરૂ થયો છે. આ વિવાદ કોરોનાના કારણે થયેલા મોત અંગે છે અને તેના વિશે સરકારે પણ સ્પષ્ટતા કરવી પડી છે.

LICએ પોતાના આઈપીઓ માટે સેબી પાસે જે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે (LIC IPO DRHP) તેમાં કંપનીના બિઝનેસ અંગે ઘણા વિગતો આપવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે 2021માં કોરોનાથી થયેલા મોત (Covid 19 Death Toll)નો આંકડો સત્તાવાર આંકડા કરતા વધારે હોઈ શકે છે. એવું કહેવામાં આવે છે કે એલઆઈસીના આઈપીઓ દસ્તાવેજ પ્રમાણે મોતનો આંકડો વધારે હોઈ શકે છે.

શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોનાથી થયેલા મોત અંગે પંચાયત, જિલ્લા અને રાજ્ય સ્તર પર પારદર્શક અને પ્રભાવી રીતે જણાવવામાં આવે છે. સરકારે એમ પણ કહ્યું કે મોતના આંકડા નોંધાય તેના પર નજર રાખવામાં આવે છે. સરકારે તમામ અટકળોને નિરાધાર ગણાવીને કહયું કે તેમાં કોઈ સચ્ચાઈ નથી. આઈપીઓમાં જે માહિતી આપવામાં આવી છે તે હકીકત પર આધારિત છે.

સરકારે કરેલા દાવા પ્રમાણે એલઆઈસીએ કોરોના દરમિયાન જે ક્લેમનો નિકાલ કર્યો તેમાં દરેક પ્રકારના દાવા આવી ગયા છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે વાસ્તવિક મૃત્યુઆંક મોટો છે અને સરકાર જાણી જોઈને નીચા આંકડા દેખાડે છે.

દેશમાં કોરોનાથી કેટલા મૃત્યુ થયા તે અંગે ઘણા સમયથી અટકળો લગાવવામાં આવે છે. સરકાર વાસ્તવિક મૃત્યુઆંક છુપાવે છે અને હકીકતમાં સરકારી આંકડા કરતા મૃત્યુઆંક ઘણો મોટો હોવાની દલીલ કરવામાં આવે છે. સરકારી આંકડા પ્રમાણે કોરોનાથી દેશમાં 5.12 લાખ લોકોના મોત થયા છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે દેશમાં સિટિઝન રજિસ્ટ્રેશન સિસ્ટમ અને એસઆરએસની વ્યવસ્થા કોરોના આવ્યો તે પહેલાથી છે. એવું પણ જણાવાયું છે જે મૃત્યુ થયા છે તેના રજિસ્ટ્રેશનને કાનૂની અધિકાર મળેલો છે.