‘ભારતીય નાગરિક અને વિદ્યાર્થીઓ વહેલી તકે યુક્રેન છોડી દે’ ઈન્ડિયન એમ્બેસીએ અપીલ કરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.20-02-2022

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની ગંભીર સ્થિતિની અસર પૂર્વ યુક્રેનમાં જોવા મળી રહી છે. અહીં યુક્રેન સેના અને રશિયાના સમર્થકો વચ્ચે સતત સંઘર્ષ વધી રહ્યો છે. પરિસ્થિતિને જોતાં નિષ્ણાંતો પણ દાવો કરી રહ્યા છે કે, રશિયા આ બહાને યુક્રેન પર હુમલો કરી શકે છે. એવામાં યુક્રેનના નાગરિકો સહિત વિદેશી નાગરિકોની સુરક્ષા ખોરવાઈ છે. આ સંદર્ભે અન્ય દેશોની જેમ ઈન્ડિયન એમ્બેસી પણ ભારતીયોની સુરક્ષિત યુક્રેન બહાર કાઢવા માટે પ્રયત્નશીલ છે.

યુક્રેન પર રશિયાના હુમલાની વધી રહેલી આશંકાઓ વચ્ચે કેન્દ્ર સરકાર પણ નાગરિકોની સુરક્ષા માટે પગલા ઉઠાવી રહી છે અને યુક્રેન સ્થિત ઈન્ડિયન એમ્બેસીના સંપર્કમાં છે. આ દરમિયાન કીવ સ્થિત ઈન્ડિયન એમ્બેસીએ યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને વહેલી તકે યુક્રેન છોડી દેવા માટે સલાહ આપી છે.

યુક્રેનમાં સ્થિત ભારતીય દૂતાવાસે હાલમાં એક એડવાયઝરી જાહેર કરી કહ્યું છે કે, યુક્રેનમાં તણાવ વધી રહ્યો છે અને અસ્થિરતાને જોતાં તમામ ભારતીયો, જેમનું અહીં રોકાવુ જરુર નથી અને બધા વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ અમર્યાદિત સમય માટે યુક્રેન છોડી ભારત જતાં રહે. ઈન્ડિયન એમ્બેસીએ જણાવ્યું છે કે, ભારતીય વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, ચાર્ટર ફ્લાઈટની માહિતી માટે સંબંધિત સ્ટુડેન્ટ કોન્ટ્રાક્ટર્સ સાથે સંપર્કમાં રહો અને સમય સમયે વિગતવાર માહિતી મેળવવા માટે દૂતાવાસના ફેસબુક, વેબસાઈટ અને ટ્વીટરને ફોલો કરતાં રહે. આ પહેલા ભારતીય દૂતાવાસે પોતાની એડવાયઝરીમાં કહ્યું હતું કે, ભારતીય નાગરિકોને બિન-જરુરી કારણોસર યુક્રેનનો પ્રવાસ ના કરવાની સલાહ આપવામાં આવે છે.

એર ઈન્ડિયાએ શુક્રવારે જણાવ્યું કે એ ભારત અને યુક્રેન વચ્ચે 22, 24 અને 26 ફેબ્રુઆરીએ 3 ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. યુક્રેન પર રશિયાના હુમલાનો ખતરો વધી રહ્યો છે. અમેરિકાએ પણ એના નાગરિકો અને દૂતાવાસ અધિકારીઓને યુક્રેન છોડી દેવા માટે જણાવ્યું છે.

આ પહેલા ઈન્ડિયન એમ્બેસીએ જાહેર કરેલી એડવાયઝરીમાં કહેવામાં આવ્યું હતું કે, યુક્રેનમાં રહેતા ભારતીયો દૂતાવાસને સતત એમના લોકેશન વિશે માહિતગાર કરતાં રહે, જેથી ઈમર્જન્સીની સ્થિતિમાં એમના સુધી પહોંચી શકાય. ભારતીય વિદેશ મંત્રાલયે પણ બુધવારે જણાવ્યું હતું કે યુક્રેનની સ્થિતિ પર નજર રાખવા માટે એક કંટ્રોલ રુમ બનાવવામાં આવ્યો છે. યુક્રેનથી ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે સરકારે ઉડાનો અને સીટિંગ કેપિસીટી પર લાગેલા પ્રતિબંધો પણ હટાવી લીધા છે.