ભલે કોરોના વેકિસનના બંને ડોઝ લીધા હોય પરંતુ જો 90 દિવસ પછી સંક્રમણ થશે તો વેકિસન ફોક ગણાશે- WHO

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-02-2022

કોરોના મહામારીએ દુનિયામાં દેખા દીધી એને 2 વર્ષ કરતા પણ વધુ સમય પસાર થયો છે. કોરોનાની વેક્સિન શોધાઇ છે પરંતુ કમનસીબે કોરોનાને હજુ પણ જળમૂળથી ઉખેડી શકાયો નથી. માંડ એક લહેરમાંથી લોકો બહાર આવે ત્યારે કોરોના વાયરસનો નવો વેરિએન્ટ નવી લહેર માટે તૈયાર હોય છે. કોરોના મહામારી અંગે  વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO કોરોના સંબંધી માર્ગદર્શન અને દિશા નિર્દેશો આપતું રહે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તાજેતરમાં WHOએ કોરોના વેકિસન અંગે દિશા નિર્દેશ જાહેર કરતા જણાવ્યું છે કે જો કોઇ કોરોના સંક્રમિત વ્યકિત વ્યકિતએ 90 દિવસ પહેલા વેકિસન લીધી હશે તો પણ તેને વેકિસન વગરની માનવામાં આવશે એટલે કે ભલેને કોરોનાના બંને ડોઝ લીધા હોય પરંતુ જો 90 દિવસ પછી સંક્રમણ થશે તો વેકિસન ફોક ગણાશે.

જો બે વેકિસન લીધા પછી પણ કોરોના થયો તો  દર્દીની રોગપ્રતિકારક શકિત નબળી ગણાય આથી તેની સારવારમાં દરેક દેશની સરકારોએ ખાસ કાળજી રાખવી જોઇએ. સમગ્ર દુનિયામાં કોરોનાની લહેરનો કહેર ઘટયા પછી વિશ્વ સંસ્થાએ સંશોધન કરીને નવા દિશા નિર્દેશ નકકી કર્યા છે. આ વિશ્વ સ્તરનો પ્રોટોકલ છે જેમાં એવું માનવામાં આવ્યું છે કે વેકિસનના બંને ડોઝ લીધાના 90 દિવસ પછી શરીરની પ્રતિકારશકિત નબળી પડે છે.

 જોખમના આધારે સરકારો કવોરન્ટાઇનના નિયમો અમલી બનાવે – WHO

જો કે ઘણા દેશોએ બે ડોઝ પછી બુસ્ટર ડોઝ આપવાની શરુઆત કરી છે. નાના બાળકોને પણ રસીકરણ હેઠળ આવરી લીધા છે જેનો વૈશ્વિક ડેટા એકત્ર કરવામાં આવી રહયો છે. કોરોના સામે રક્ષણ માટે બુસ્ટર ડોઝ માટે પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહયો છે. જેને બુસ્ટર ડોઝ લીધો છે અથવા તો વેકિસનના બે ડોઝ થોડાક સમય પહેલા જ લીધા છે તેમને કોરોના થવાની ઓછી જોખમ શ્રેણીમાં લીધા છે જયારે જેને 90 દિવસથી વધુ સમય થયો છે તેમને વધુ જોખમની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઓછા અને વધુ જોખમના આધારે સરકારો કવારન્ટાઇનના નિયમો અમલી બનાવે તેવો પણ વિશ્વ આરોગ્ય સંસ્થા એ અનુરોધ કર્યો છે.