મોરબીમાં હિટ એન્ડ રન:નિવૃત કંડકટરનું બાઈકની ઠોકરે મોત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.19-02-2022

દાઢી કરાવી પરત ફરતા વૃઘ્ધને કાળ ભેટયો

મોરબીમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં મહેન્દ્રનગર ચોકડી પાસે રસ્તો ઓળંગતા નિવૃત કંડકટરને અજાણ્યા બાઇક ચાલકે ઠોકરે ચડાવતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર રીતે ઘવાયેલા નિવૃત કંડકટરે રાજકોટ સારવારમાં દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં રહેતા નિવૃત કંડક્ટર મગનભાઈ નરસિંહભાઈ સંઘાણી નામના 69 વર્ષના વૃદ્ધ ગત તારીખ 14 ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મહેન્દ્રનગર ચોકડી પાસે રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલા બાઈક ચાલકે રસ્તો ઓળંગતા આધેડને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર

રીતે ઘવાયેલા આધેડને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં આધેડની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ કંડક્ટરે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.

પ્રાથમિક પૂછપરછમાં મગનભાઈ સંઘાણી નિવૃત કંડક્ટર હતા અને બે ભાઈ એક બહેનમાં નાના અને તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે મગનભાઈ સંઘાણી ઘટનાના દિવસે દાઢી કરાવી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે અડફેટે લેતા જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે મોરબી પોલીસે અકસ્માત સર્જી નાસી છૂટેલા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.