ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોને લાગશે આંચકો, નફા વિના પણ લેણદેણ પર ચૂકવવો પડશે ટેક્સ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-02-2022

નવા નાણાકીય વર્ષથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારા રોકાણકારોએ તેમની પાસેથી થતી કમાણી પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા કેપિટલ ગેઈન ટેક્સ લાદવાની જાહેરાત કરી હતી. પરંતુ તમને જણાવી દઈએ કે જે રોકાણકારો નફા માટે ક્રિપ્ટોકરન્સી વેચતા નથી તેમને પણ ટેક્સ ચૂકવવો પડશે. એવામાં ક્રિપ્ટોમાં રોકાણ કરનારા રોકાણકારોએ એક ટકા TDS ચૂકવવો પડશે જેથી કરીને સરકાર ક્રિપ્ટોકરન્સીમાં વ્યવહાર કરનારાઓનું ચોક્કસ ઠેકાણું શોધી શકે.

હકીકતમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે નફા માટે ક્રિપ્ટો વેચવા પર 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ જો નફામાં વેચવામાં ન આવે તો પણ એક ટકાનો TDS ચૂકવવો પડશે, જેથી ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ક્યાં થયા છે તે જાણી શકાય. તેમણે કહ્યું કે RBI દ્વારા પ્રસ્તાવિત માત્ર ડિજિટલ રૂપિયાને જ ડિજિટલ કરન્સી તરીકે ગણવામાં આવશે, બાકીનાને ડિજિટલ એસેટની શ્રેણીમાં રાખવામાં આવશે. આરબીઆઈની પ્રસ્તાવિત ડિજિટલ કરન્સીનો ઉપયોગ માત્ર બે વેપારીઓ વચ્ચે જ થશે અથવા તેનો રિટેલ માટે પણ ઉપયોગ થઈ શકશે, તેના પર આરબીઆઈ નિર્ણય લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષના બજેટમાં ક્રિપ્ટોકરન્સીથી થતી કમાણી પર 30 ટકા ટેક્સ લગાવવા ઉપરાંત, નાણામંત્રીએ આરબીઆઈ દ્વારા ડિજિટલ કરન્સી લોન્ચ કરવાની પણ જાહેરાત કરી છે. RBI બ્લોક ચેઈન આધારિત ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. આરબીઆઈ બોર્ડની બેઠક બાદ પણ નાણામંત્રીએ કહ્યું હતું કે આરબીઆઈ અને મંત્રાલય માત્ર ક્રિપ્ટો પર જ નહીં પરંતુ દરેક બાબતમાં સંપૂર્ણ સુમેળમાં કામ કરી રહ્યા છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે આ ખાસ મુદ્દા પર આરબીઆઈ અને સરકાર વચ્ચે આંતરિક રીતે વાતચીત ચાલી રહી છે.