તા.2માર્ચથી 10દિ’ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા: રાજકોટ જિલ્લામાં નવ હજાર વિદ્યાર્થીઓ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-02-2022

રાજકોટ ઉપરાંત ધોરાજી, જેતપુર, ગોંડલ અને જસદણના 35 કેન્દ્રો પરથી લેવાશે પ્રેકટીકલ: કાલે વિજ્ઞાન પ્રવાહના શિક્ષકોની બેઠક બોલાવતા શિક્ષણાધિકારી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.2થી12 માર્ચ દરમિયાન ધો.12 વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવનાર છે.જે રાજકોટ શહેરી જિલ્લામાં સુચારૂરૂપથી લેવાય તે માટેની તમામ તૈયારીઓને શિક્ષણાધિકારી ભરતભાઇ કૈલાના માર્ગદર્શન હેઠળ આખરીઓપ આપવામાં આવી રહયો છે.

રાજકોટ શહેર ઉપરાંત ધોરાજી, જેતપુર, ગોંડલ અને જસદણના 35 કેન્દ્રો પરથી ધો.12 વિજ્ઞાન પ્રવાહની રસાયણ ભૌતિક અને જીવવિજ્ઞાન વિષયની આ પ્રાયોગિક પરીક્ષા લેવામાં આવનાર છે.9000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસનાર છે. પરીક્ષામાં 130 જેટલા શિક્ષકો ફરજ બજાવશે.

પ્રાયોગિક પરીક્ષા અંગે યોગ્ય લાયકાત ધરાવતી વિજ્ઞાન પ્રવાહના રસાયણ, ભૌતિક અને જીવ વિજ્ઞાનના શિક્ષકોને બાહૃય મુલ્યાંકનકાર તરીકે કામગીરીની જરૂર સમજણ મળી રહે તે હેતુથી આવતીકાલે તા.19ને શનિવારે બપોરના 4 કલાકે કરણસિંહજી હાઇસ્કુલ ખાતે શિક્ષણાધિકારી ભરતભાઇ કૈલાના અધ્યક્ષ સ્થાને બેઠક આયોજિત કરાયેલ છે.

આ અંગે શિક્ષણાધિકારી કૈલાએ જણાવ્યું હતું કે,જે શાળામાં વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. તે શાળાના વિજ્ઞાન પ્રવાહના પ્રત્યેક વિષયના એક શિક્ષક આંતરિક મુલ્યાંકનકાર તરીકે કાર્ય કરશે.