વિજ બીલ વધારા માટે તૈયાર રહેજો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-02-2022

કોલ ઈન્ડીયાએ જાહેર કર્યુ જો કોલ ભાવવધારો નહી કરાય તો ઉત્પાદન ઘટાડશે : હાલના ભાવે કોલસો વેચવો પોષાય તેમ નથી: દેશના 70% વિજ મથકો પર ફરી શટડાઉનની ચેતવણી

નવી દિલ્હી: દેશમાં હવે ફરી એક વખત કોલસાની તંગી ડોકાઈ રહી છે અને તમારુ વીજ બીલ પણ આગામી દિવસમાં વધશે તે નિશ્ર્ચિત બની ગયું છે. દેશમાં સૌથી મોટા કોલ ઉત્પાદક- સરકારી કંપની કોલ ઈન્ડીયાએ ચેતવણી આપી છે કે જો ટુંક સમયમાં કોલસાના ભાવમાં વધારો કરવામાં નહી આવે તો તેને ઉત્પાદનમાં કાપ મુકવાની ફરજ પડશે.

કોલ ઈન્ડીયાના ચેરમેન પ્રમોદ અગ્રવાલે જણાવ્યું હતું કે કોલ ઈન્ડીયાના તમામ કર્મચારીઓના પગાર વધારાની અને ડિઝલ વિ. નો ખર્ચ ઉંચો જતા અમોને માઈનીંગ મોંઘુ બની ગયું છે અને તે સ્થિતિમાં કંપની માટે ભાવ વધારા વિરોધ કોઈ વિકલ્પ નથી. જો અમોને તે આપવામાં નહી આવે તો અમો ઉત્પાદનમાં કાપ મુકીશું.ભારતમાં 70% વિજ ઉત્પાદન કોલસાથી થાય છે. ગત વર્ષે ઉત્પાદનમાં ઘટાડો થતા જ દેશમાં વિજ સંકટની ચિંતા ઉભી થઈ હતી. કોલ ઈન્ડીયાના ચેરમેને કહ્યું કે અમોને તાત્કાલીક ભાવ વધારો આપવો જરૂરી છે.કોલ ઈન્ડીયા 670 મીલીયન ટન કોલસો ગત વર્ષે પુરો પાડયો હતો.