મોરબીના વોર્ડ નં.5 ની ગૌરાંગ શેરી, પારેખ શેરી, ખોખાણી શેરી અને કંસારા શેરીમાં ગંદકીના ગંજ કયારે દુર કરાશે..?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-02-2022

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઇ પંડયા, જગદીશભાઇ બાંભણીયા, અશોક ખરચરીયા અને મુસાભાઇ બ્લોચે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાને રજૂઆત કરીને અરજ કરેલ છે કે વોર્ડ નં.5 માં આવેલ ગૌરાંગ શેરી, પારેખ શેરી, પખાલી શેરી, ખોખાણીશેરી અને કંસારા શેરીમાં ગંદકીના રાફડા ફાટેલ છે.છેલ્લા એક માસથી નિયમીત સાફ સફાઇ થતી નથી અને ગંદકીના ઢેર થઇ ગયેલ છે અને ગટરોમાંથી હવે જીવાત ઉભરાઇ રહી છે. અનેકવાર કાઉન્સીલરોને રજુઆત કરેલ છે છતાં આ અંગે કોઇ પણ પગલા લેવામાં આવતા નથી.

નગરપાલીકામા હાલ સતા ઉપર કાઉન્સીલરો ભાજપના જ છે પરંતુ આ કાઉન્સીલરો જવાબ આપતા નથી જયારે મત જોઇતા હોય ત્યારે ‘ભાઇ સાહેબ ભાઇ સાહેબ’ કરે છે પરંતુ જયારે આવું સાફ સફાઇ કે અન્ય પ્રજાના હિતના કામ હોય ત્યારે ’હું કોણ અને તું કોણ..?’ જેવી નીતી આવા નજરે પડે છે. વોર્ડ નંબર 5 ની ભુગર્ભ ગટર તથા અન્ય ગલીઓમાં પણ નિયમીતપણે સફાઇ થવી જોઇએ.ગોરાંગ શેરી, પારેખ શેરી, ખોખાણી શેરી, કંસારા શેરી એવી અનેક શેરીઓમાં સફાઇ થતી જ નથી નગરપાલીકાના નામે મસમોટો ટેકસ ઉધરાવે છે તો આ સફાઇમાં કેમ કોઇ ઘ્યાન અપાતુ નથી ? આ અંગે ઉચ્ચ સ્તરે યોગ્ય રજુઆત કરવામાં આવશે.