મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલની પરિણામલક્ષી કામગીરી માટે બ્રિજેશ મેરજાએ બેઠક યોજી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-02-2022

મોરબી શહેરને કાયમી માટે ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળે તે હેતુથી રાજ્યના પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી  બ્રિજેશભાઇ મેરજાએ વિશેષ રસ લઇને વિવિધ સંગઠનોની માંગણી મુજબ આગામી સમયમાં શહેરમાં ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક સિગ્નલ મુકવા અંગેની રજૂઆત બાદ પ્રથમવાર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મંત્રી એ વિવિધ સંબંધિત વિભાગનો અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

આ તકે પદાધિકારી ઓ દ્વારા મોરબી શહેરમાં વિવિધ સ્થાનો પર ટ્રાફિક સિગ્નલ મુકવા માટેના પોઇન્ટ સુચવવામાં આવ્યા હતા. આ સાથે જ શહેરમાં વન-વે વધારવા, રોડ-રસ્તાઓ પર થયેલા દબાણો દૂર કરવા, નગર દરવાજો, ગાંધી ચોક, રામ ચોક, શાકમાર્કેટ જેવા ભરચક વિસ્તારોમાં પાર્કિંગની સમસ્યાઓ હલ કરવી, વન-વે નો કડક અમલ થાય, પાર્કિંગ પ્લોટ વધારવા અંગે તેમજ શહેરમાં વધુ બેઠા પુલનું નિર્માણ થાય તે દિશામાં ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ તકે જિલ્લા પોલીસ વડા  એસ.આર. ઓડેદરાએ ટ્રાફિકની સમસ્યાના કાયમી ઉકેલ માટે શહેરના ૧૩ ટ્રાફિક પોઇન્ટ પર ટ્રાફિક સિગ્નલ મુકવા સહિત અન્ય ટ્રાફિક નિવારક મુદ્દાઓની દરખાસ્ત રજૂ કરી હતી.

મંત્રી   બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, હાલમાં જ માર્ગ અને મકાન વિભાગના મંત્રી  પૂર્ણેશભાઇ મોદીની મોરબી મુલાકાત દરમિયાન શહેરની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શહેરની ફરતે રીંગ રોડની દરખાસ્ત કરેલ છે જેનાથી ટ્રાફિકની સમસ્યા હલ થશે. આ ઉપરાંત વિકસતા અને વિસ્તરતા મોરબી શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલની પરિણામલક્ષી કામગીરી માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી  પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ વડા  એસ.આર. ઓડેદરા, ચીફ ઓફિસર  સંદિપસિંહ ઝાલા, નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, અગ્રણી સર્વે  જયુભા જાડેજા, જીગ્નેશભાઇ કૈલા, સુરેશભાઈ દેસાઈ, કે.કે. પરમાર સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી શહેરની ટ્રાફિક સમસ્યાના કાયમી નિરાકરણ માટે ચર્ચા વિચારણા કરી હતી.