કોરોના ગાઈડલાઈન હેઠળ શિવરાત્રીનો મેળો યોજાશે: ગમે ત્યારે જાહેરાત

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-02-2022

પ્રભારી રૈયાણીની આગેવાનીમાં મુખ્યમંત્રી સાથે આગેવાનોની મુલાકાતમાં હકારાત્મક વલણ: અન્નક્ષેત્રો, ઉતારા મંડળો સજજ: તૈયારીઓ શરૂ

મહાવદ નોમના દિવસે જુનાગઢ ભવનાથ ખાતે પરંપરાગત રીતે ભવનાથ મંદિરે 52 ગજની ધજારોહણ પૂજન બાદ વિધીવત મહા શિવરાત્રીનો મેળો યોજાય છે. છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે મેળો મોકુફ રાખવામાં આવ્યો હતો.

આ વર્ષે કોરોના સંક્રમણ હવે નહીવત રહેવા પામતા આગામી 25 ફેબ્રુઆરી મહાવદ નોમથી 1 માર્ચ સુધી મહાશિવરાત્રી સુધી મેળો યોજાશે. જે માટે ગઈકાલે જુનાગઢના મેયર ગીતાબેન પરમાર ડે. મેયર ગીરીશ કોટેચા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પરસાણા, દંડક અરવીંદભાઈ ભલાણી, શાસક પક્ષના નેતા ભીંભા શહેર ભાજપ પ્રમુખ પૂનીત શર્મા સહિતના ભાજપના આગેવાનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને અને પ્રદેશ અધ્યક્ષ પાટીલને રૂબરૂ મળી રજુઆત કરી હતી.

જુનાગઢના પ્રભારી અરવિંદભાઈ રૈયાણીની આગેવાનીમાં મહામંત્રી સંજય મણવર સહિતનાઓએ મેળો યોજવાની રજુઆત કરી હતી. જેમાં હાઈ કમાન્ડે મેળો યોજવા અંગે હકારાત્મક વલણ અપનાવ્યું છે. કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને લઈ તમામ લોકો માટે આ વખતે મેળો યોજાશે જેનો સરકાર બે દિવસમાં નિર્ણય જાહેર કરશે. જે ઔપચારિકતા બાકી રહી છે.

સરકાર બે દિવસમાં મેળા અંગે જહેરાત કરે તેની સાથે સ્થાનિક તંત્ર દ્વારા મેળાની સંલગ્ન બેઠક જરૂરી છે. જેથી આનુસંગિક તૈયારી કરી શકાય જેમાં એસટી વિભાગ રેલ્વે પોલીસ તંત્ર આરોગ્ય વિભાગ સહિતના સાથે બેઠક જરૂરી છે. સાથે સાથે રોડ રસ્તા પીવાનું પાણી ગટર સફાઈ વિગેરે વ્યવસ્થા પ્રાથમિક પુરી પાડવા યુધ્ધના ધોરણે કામગીરી પણ જરૂરી છે.

ઉતારા મંડળ : આજદિન સુધી સરકારે મેળા અંગે કોઈ જાહેરાત તો કરી નથી હકારાત્મક અભિગમ અપનાવ્યો છે. પરિણામે ખાસ તો ઉતારા મંડળ અન્નક્ષેત્રો ચલાવતા સહિતનાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દાતાઓ પાસેથી ફંડ અનાજ તેલ ઘી લેવું કે કેમ? તે માટે અવઢવમાં મુકાય જવા પામ્યા છે. દાતાઓના ફોન ચાલુ થઈ ગયા છે. ત્યારે વહીવટી તંત્રએ આ અંગે સરકારનું વલણ સ્પષ્ટ કરી સ્થાનિક તંત્ર સાથે બેઠક કરી જાણકારી આપવી જોઈએ. આમ તો મેળાના લઈને ખુબજ મોડુ થઈ ગયું છે છતા ઉતારા મંડળો સ્ટેન્ડ બાય છે. જો સરકાર મંજુરી આપે એટલે ઉતારા મંડળો અન્ન ક્ષેત્રો ધમધમતા કરવા તત્પર છે.