હવે તો શિવરાત્રીનાં મેળાની મંજૂરી આપો : આગેવાનોના ગાંધીનગરમાં ધામા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-02-2022

જૂનાગઢના ભવનાથ ખાતે પરંપરાગત યોજાતો મહાશિવરાત્રિનો મેળો કોરોનાના મહાસંક્રમણના કારણે બબ્બે વર્ષથી બંધ રહેવા પામ્યો છે. આ વર્ષે પણ મહાશિવરાત્રિના મેળાને હવે માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા આઠ દિવસો જ બાકી રહ્યા છે છતા આજ દિન સુધી સરકાર મગનું નામ મરી પાડતી નથી. જેથી ગઇકાલે જૂુનાગઢના આગેવાનો ગાંધીનગર મુખ્યમંત્રીને મળવા પહોંચી ગયા છે.

કોરોનાની ત્રીજી લહેર લગભગ પૂરી થઇ ચૂકી છે. સંક્રમણ ઘટી જવા પામ્યું છે છતાં કોઇ મંજુરી મળવા પામી નથી. હોટલો, સ્કુલો, પ્રા.શાળા, બાલમંદિર વગેરે શરુ કરી દેવામાં આવ્યા છે ત્યારે બબ્બે વર્ષથી પરિક્રમા અને શિવરાત્રિનો મેળો ન યોજાતા નાના પરિવારો, પાથરણાવાળા, રેંકડી રાખીને ધંધો કરનારાઓ પોતાનું પેટીયુ રળવા જૂનાગઢ ભવનાથ ખાતે દૂર દૂરથી આવી વર્ષ આખાનો ખર્ચ કાઢવા ગુજરાન ચલાવવા પાંચ દિવસ અહીં આવે છે. તેઓની રોજીરોટીનો સવાલ આ વર્ષે પણ ઉભો થવા પામ્યો છે.

ઉપરાંત વિવિધ સંસ્થાઓ, મંડળો, આશ્રમો, વ્યક્તિગત સહિતના અન્નક્ષેત્રો ચલાવતા અને પોતાના જીવન માટે પુણ્યનું ભાથુ બાંધનારાનો બબ્બે વર્ષથી કોરોનાના નિયમના કારણે કોઇ અન્નક્ષેત્રો ચલાવી શકાતા નથી. ચા પાણી સહિતના સ્ટોલ માટે હરરાજીથી પ્લોટની ખરીદી કરનારાઓ પણ કાગડોળે મંજુરીની રાહ જોઇને બેઠા છે.

કોરોના સંક્રમણ ઘટી જવા પામ્યું છે ત્યારે માત્ર આઠ દિવસ જ બાકી રહ્યા છે. અન્નક્ષેત્ર ચલાવવા માટે મંજુરી માલસામાન પહોંચાડવા ટેન્ટ મંડપો બાંધવા જમીન સમથળ કરવી, પાણી, લાઇટની વ્યવસ્થા માટે હવે દિવસો જુજ બાકી રહ્યા છે ત્યારે આજ સવાર સુધીમાં કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો નથી.

જૂનાગઢના મેયર ગીતાબેન પરમાર, ડે. મેયર કોટેચા સહિતનાં મનપાના આગેવાનો શહેર ભાજપ હોદેદારો મુખ્યમંત્રીને મળવા ગયા છે. ઉપરાંત જૂનાગઢના કોંગી ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ મુખ્યમંત્રીને લેખીત પત્ર પાઠવી મહાશિવરાત્રીનો મેળો યોજવાની રજુઆત કરી છે. તાત્કાલીક નિર્ણય લેવા જણાવાયું છે. ભજન-ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમરુપી મીની કુંભમેળા સમાન જૂનાગઢ મહાશિવરાત્રિનો મેળો બબ્બે વર્ષથી યોજાય શકતો નથી.

આ વષે પણ મેળા અંગે તુરંત નિર્ણય લઇ યુધ્ધના ધોરણે ઉતારા મંડળ, અન્નક્ષેત્રો સહિતનાઓને મંજુરી આપવાની માંગ સાધુ સંતો મહંતો, અખાડાઓનાં ગાદીપતિઓ સહિતનાઓની માંગ ઉઠવા પામી છે.