યુક્રેનમાં રહેલા ભારતીયોને તાત્કાલિક દેશ છોડવા વિદેશ મંત્રાલયની સલાહ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-02-2022

જો કે 18 હજાર જેટલા ભારતીયો માટે યુક્રેન છોડવું સહેલું નથી : મર્યાદિત વિમાની સેવા અને ભાડાઓ અધધધ વધી ગયા : સરકાર પર નજર

યુક્રેનમાં જે રીતે યુધ્ધની શકયતા વધતી જાય તેમ તેમ આ દેશમાં ભારતીય દૂતાવાસે અહીં વસતા ભારતીયોને તાત્કાલીક યુક્રેન છોડી દેવા માટે સલાહ આપી છે. ખાસ કરીને અહીં ભારતના 18 હજાર જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેઓ સૌથી ચિંતાજનક હાલતમાં છે.

તેમના માતા-પિતાએ કેન્દ્ર સરકારને યુક્રેનમાંથી તેમના સંતાનોને ઉગારી લેવા માટે અપીલ કરી છે તે સમયે જ કીવ ખાતેની ભારતીય દૂતાવાસ કચેરીએ એક એડવાઇઝરી બહાર પાડીને જણાવ્યું હતું કે જો અત્યંત જરુર ન હોય તો ભારતીયોએ યુક્રેન છોડી દે તે સલાહભર્યુ છે.

જો કે યુક્રેન છોડવા માટે પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે સહેલુ નથી. મોટાભાગની વિમાની સેવાઓ બંધ છે અને જે વિમાની સેવા ચાલુ છે તે ઉંચા ભાડા વસુલી રહી છે. આ સ્થિતિમાં તેઓને ભારત પરત આવવું તે પણ એક ચિંતાનો વિષય છે અને સરકારે જ તેઓને દેશ છોડવા માટે મદદ કરે તેવી શકયતા છે.