આખલો જોરમાં : શેરબજારમાં 1,754 પોઇન્ટનો ઉછાળો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.15-02-2022

ભારતીય શેરબજારમાં ગઇકાલે 1,747 પોઇન્ટનો પ્રચંડ કડાકામાં રોકાણકારોના રૂ.8.47 લાખ ધોવાયા બાદ આજે બજારમાં તેજીનો તોખાર જોવાતા બપોર સુધીમાં બીએસઇ સેન્સેક્સે 1,754 પોઇન્ટનો તાતિંગ ઉછાળા સાથે ફરી 58,000ની અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફ્ટીએ 342 પોઇન્ટના સુધારા સાથે 17,000ની મહત્વની સપાટી કુદાવી દીધી હતી. ગઇકાલે મોટા ગાબડાં પડ્યા હતા તે તમામ શેરો આજે ગ્રીન ઝોનમાં જોવા મળી રહ્યા હતા. બૂલિયન ધાતુઓમાં પણ આજે ઉછાળો નોંધાયો હતો, ઘરઆંગણે શુદ્ધ સોનુ 51,300ની સપાટીએ અથડાઇ ગયું હતું. આજે બીએસઇ 100, બીએસઇ મીડકેપ, બીએસઇ સ્મોલકેપ, બીએસઇ 200 ઇન્ડેક્સ અપ જોવા મળી રહ્યા હતા. એ ગૃપના 560 શેરો વધેલા 132 શેરો ઘટેલા અને 2 શેરો સ્થિર સપાટીએ જોવા મળી રહ્યા હતા.

શેરબજારના સૂત્રોએ જણાવ્યું હતું કે, શેરબજારમાં હજુ યુક્રેન અને રશિયા વચ્ચે તંગદીલી ભર્યો માહોલ, વૈશ્ર્વિક સ્તરે કૃડના ભાવમાં ભડકો તેમજ ફેડ વ્યાજદર વધવાની ભીતિ સહિતના વૈશ્ર્વિક કારણોને પગલે ગભરાટ છે જ, તેમ છતાં એફઆઇઆઇની લેવાલીનું જોર વધી જતા તેમજ બજારમાં ટોચની સ્ક્રિપ્ટોમાં લેવાલીને પગલે સેન્સેક્સ અને નિફ્ટી ઉંચકાયા હતા. ગઇકાલનું મોટુ ધોવાણ રીકવર થઇ શકે તેવી તકને પગલે રોકાણકારો ગેલમાં આવી ગયા હતા. આજે

આખલાને કળ વળી રહી હોય તેમ બજારમાં સડસડાટ તેજી જોવા મળી રહી હતી.

મુંબઇ શેર બજારમાં બપોરના સુમારે સેન્સેક્સ 30 પૈકી પાવરગ્રીડ સિવાય તમામ શેરો ગ્રીન ઝોનમાં જોવા મળી રહ્યા હતા. ખાસ કરીને વિપ્રો, ટાઇટન, હિન્દુ યુનિલિવર, એલટી, ભારતી એરટેલ, એચસીએલ ટેક, કોટક બેન્ક, ટીસીએસ, એશિયન પેઇન્ટ્સ, સનફાર્મા, બજાજ ફાઇનાન્સ, એમએન્ડએમ, આઇટીસી, મારૂતિ, બજાજ ફીનસર્વ, રિલાયન્સ, એચડીએફસી બેન્ક, ડો.રેડ્ડી, એસબીઆઇએન અને રિલાયન્સ સહિતની સ્ક્રિપ્ટનોે સમાવેશ થતો હતો, જ્યારે ઘટેલા શરેમાં એક્સિસ બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક, એનટીપીસી, ટાટા સ્ટીલ અને ઇન્ડસઇન્ડ બેન્ક સહિતના શેરોમાં તેજી જોવા મળી રહી હતી.

વૈશ્ર્વિક સ્તરે ગભરાટ જોવાતા છેલ્લા બે સેશનમાં શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. બીએસઇની સત્તાવાર માહિતી મુજબ શુક્રવારે માર્કેટ કેપ રૂ.263.89 લાખ કરોડ હતું, તે સોમવારે ઘટી 255.42 લાખ કરોડે પહોંચી ગયું હતું. સોમવારે 56,405ની સપાટીએ બંધ થયેલી બજાર આજે 56,731ની સપાટીએ ખુલી બપોર સુધીમાં 57,997 સુધી વધી ગઇ હતી, દરમિયાન 56,438નો લો ક્વોટ થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર નિફ્ટીએ 16,933ના મથાળેે ખુલી પ્રાથમિક સ્તરે 17,185નો હાઇ નોંધાવ્યો હતો.