ટંકારા એસ.ટી. બસ સ્ટેશનનું માર્ગ-મકાન અને વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-02-2022

મોરબી જિલ્લાના ટંકારામાં શનિવારે રાજ્ય સરકારના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી પૂર્ણેશભાઇ મોદીના વરદ્દ હસ્તે કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરા, વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અરવિંદભાઇ રૈયાણી, પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમની વિશેષ ઉપસ્થિતિમાં રૂ. 166.53 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલ ટંકારા એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

        આ લોકાર્પણ પ્રસંગે મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે ટંકારા ઉપરાંત સરા, ગોંડલ તેમજ સાયલાના નવનિર્મિત કુલ 951 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત એસ.ટી. બસ સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ટંકારા ખાતે ચાર જેટલા બસ સ્ટેશનોના લોકાર્પણ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં સંબોધન કરતાં માર્ગ અને મકાન, વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, હાલમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ આધુનિક સુવિધાસભર બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં એસ.ટી. દ્વારા 16 વિભાગ, 125 ડેપો, 226 બસ સ્ટેન્ડ, 1554 પીક અપ સ્ટેન્ડ ગુજરાતની જનતા માટે સેવારત છે ત્યારે આગામી 2 મહિનામાં 1 હજાર નવી એસ.ટી. બસો જેમાં 500 સુપર ડિલક્સ, 300 ડિલક્સ, 200 ડિલક્સ અને સ્લીપર કક્ષાની બસો ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલમાં દૈનિક 25 લાખ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે ત્યારે મુસાફરી દરમિયાન રોડ સેફ્ટી અંગેની નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જઇ રહી છે. 50 જેટલી ઇલેક્ટ્રીક બસો દોડતી કરવામાં આવી છે.

        વધુમાં મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વધુ 10 બસપોર્ટનું નિર્માણ થશે. તેમ જ નવા ડ્રાઇવર અને કંડક્ટરની નિમણૂકની પ્રક્રિયા ચાલી રહી છે. આગામી બજેટ સત્રમાં આગામી સમયમાં એસ.ટી. બસોના ભાડામાં કોઇ ભાવ વધારો નહીં થાય તેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

        એસ.ટી.ની બસોની સુવિધાઓ અંગે જણાવતા મંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય અને વાહન વ્યવહારમાં એસ.ટી. બસો ખૂબ જ મહત્વની સાબિત થઇ રહી છે. ખૂબ જ ઓછી કિંમતે અંતરીયાળ વિસ્તારોમાં પણ એસ.ટી. ની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ રહી છે. એટલે જ એસ.ટી. એ સમગ્ર ગુજરાતમાં સેવાનું માધ્યમ છે અને ખૂણે ખૂણે એસ.ટી.ની સેવા મહત્વની સાબિત થઇ રહી છે.

કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ વિકાસના રાજ્યકક્ષાના મંત્રી ડૉ મહેન્દ્રભાઇ મુંજપરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, તમામ વર્ગના નાગરિકો માટે એસ.ટી. બસ અનેક પ્રકારની સેવાઓ આપે છે. વિવિધ યોજનાઓ થકી એસ.ટી. બસોમાં ગંભીર પ્રકારના રોગોની સારવાર લેતા દર્દીઓ અને તેની સાથેના વ્યક્તિ, દિવ્યાંગો, વિદ્યાર્થીઓ, દરરોજ નિયમીત મુસાફરી કરતાં પ્રવાસીઓ માટે ખૂબ જ લાભદાયી છે. વધુમાં કેન્દ્ર સરકાર દ્વારા ભવિષ્યમાં એસ.ટી. બસો ઇથેનોલના વપરાશનો હાલના 12 થી 20 ટકા સુધી વધારવાનો નિર્ણય લેવાઇ રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું. 

રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અરવિંદભાઇ રૈયાણીએ જણાવ્યું કે, મોટા શહેરોમાં એરપોર્ટ સમાન બસપોર્ટ બની રહ્યા છે ત્યારે તાલુકા મથકોમાં સ્થાનિક જરૂરિયાત મુજબ કામ થઇ રહ્યા છે. વિદ્યાર્થીઓ નાના ગામોથી મોટા ગામોમાં જવા માટે એસ.ટી. બસની ખૂબ જરૂરિયાત રહે છે. પાંચસો થી વધુ બસો લોકોની સુવિધા માટે વસાવશે. આવતા પેઢીની જરૂરિયાતને ધ્યાને લઇને આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ સાકાર કરીએ.

આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે, દયાનંદ સરસ્વતીની 199મી જન્મજયંતી નિમિત્તે આજના કાર્યક્રમ પ્રસંગે હર્ષની લાગણી અનુભવુ છું. વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર ગુજરાતની જનતાને વધુને વધુ સગવડ મળી રહે તે માટે પ્રયત્નશીલ છે.

ટંકારા ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી ડૉ. મહેન્દ્રભાઇ મુંજપરા, રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઇ રૈયાણી, મોરબીના પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ અને ઉપરાંત સાંસદ સર્વે મોહનભાઇ કુંડારીયા, રમેશભાઇ ધડુક, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઇ ભાગીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, એસ.ટી. ના વિભાગીય નિયામક જે.બી. કડોતરા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.એન. ઝાલા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા સહિતના અધિકારીઓ તેમજ એસ.ટી. વિવિધ યુનિયનના હોદ્દાદારો, કર્મચારીઓ તેમજ ટંકારાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ટંકારા મુકામે 2646 ચો.મી. જમીન પર રૂા. 166.53 લાખના ખર્ચે નિર્માણ પામેલ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત નવિન બસ સ્ટેશનમાં 5 પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઈટીંગ હોલ, ટ્રાફિક કંટ્રોલર રૂમ, કેન્ટીન (કીચન સહિત), વોટર રૂમ (આર.ઓ. સહિત), પાર્સલ રૂમ, 2 સ્ટોલ કમ શોપ, લેડીઝ રેસ્ટ રૂમ (શૌચાલય સહિત), ડ્રાઈવર કંડકટર રેસ્ટ રૂમ (શૌચાલય સહિત), મુસાફરો માટે શૌચાલય, દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્પે. પ્રકારના શૌચાલય, સ્લોપીંગ રેમ્પ સહિતની સુવિધા આપવામાં આવી છે.