ઈન્સ્ટન્ટ ધિરાણ આપતા ડિઝીટલ એપ. પર નિયંત્રણ લદાશે

રિઝર્વ બેંક દ્વારા તૈયારી: આ પ્રકારના ધિરાણમાં વ્યાજથી લઈ વસુલાતના કોઈ નિયમોનું પાલન થતુ નથી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-02-2022

દેશમાં ડિઝીટલ વોલેટ મારફત અપાતા ધિરાણ મુદે જે રીતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે અને મોબાઈલ એપ. માં કદના નિયમો તથા વ્યાજદર અંગે કોઈ કાનૂન નથી તે જોતા હવે રિઝર્વ બેંકે ડીઝીટલ કર્જને નિયમ હેઠળ લાવવા તૈયારી કરી છે અને ટુંક સમયમાં તે અંગે એક ડ્રાફટ પેપર ઈશ્યુ કરશે.

ઈન્સ્ટન્ટ અને સરળતાથી ધિરાણ આપતા લગભગ 1100 જેટલા લેન્ડીંગ એપ. ભારતમાં સક્રીય છે જેમાં 600થી વધુ તો ગેરકાનુની રીતે ધિરાણ આપે છે. જયારે બહુ ઓછા એનબીએફસી કે તેવી કોઈ માન્ય ઈન્સ્ટીટયુટ દ્વારા ચલાવાઈ છે. જયારે તેના વસુલાતના નિયમો પણ અત્યંત આકરા છે અને વ્યાજની ગણતરી પણ કરવામાં અનેક પ્રકારના ચાર્જ ઉમેરાય છે અને ઉંચા વ્યાજદરથી લોકોને કર્જની જાળમાં ફસાવવામાં આવી રહ્યા છે અને ધિરાણ ચૂકવવામાં વિલંબ થાય તો ધમકીઓ તથા અપહરણ સહિતની પ્રવૃતિ કરવામાં આવે છે.

હાલમાં જ આ અંગે આત્મહત્યાના સમાચાર મળતા જ નિષ્ણાંતોએ આરબીઆઈને ચેતવી હતી અને રિઝર્વ બેંકે હવે તેના પર નિયંત્રણ કરવા તૈયારી છે જેમાં એપ. પર જ ધિરાણ મેળવનારની તમામ યાદી તેના વ્યાજદર તથા વસુલાતની પ્રક્રિયા વગેરે દર્શાવવું ફરજીયાત થઈ પડશે.