દેશમાં 7 રુટ્સ પર દોડશે બુલેટ ટ્રેન, અમદાવાદ-મુંબઈ વચ્ચે 12 સ્ટેશન આવરી લેશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-02-2022

દેશની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદા-મુંબઈ વચ્ચે 12 સ્ટેશનને કવર કરશે. સૂરતમાં આકાર લઈ રહ્યું છે બુલેટ ટ્રેન માટે પહેલુ સ્ટેશન

વિકાસશીલ ભારતમાં કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિસ્તાર કરી રહી છે. જે હેઠળ કેન્દ્ર સરકારે નવા 7 રુટ્સને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ આવરી લેવાની જાહેરાત કરી છે. શુક્રવારે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક લેખિત જવાબમાં આ અંગે મહત્વની જાણકારી આપી હતી.

રેલવે મંત્રાલયે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ 7 નવા બુલેટ ટ્રેન રુટ્સ દિલ્હી-વારાણસી, મુંબઈ-નાગપુર, દિલ્હી-અમદાવાદ, મુંબઈ-હૈદરાબાદ, ચેન્નઈ-બેંગલુરુ-મૈસુર, વારાણસી-હાવડા અને દિલ્હી-અમૃતસર માટે સર્વેક્ષણ કરવા અને વિસ્તૃત પરિયોજના રિપોર્ટ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.

આ સિવાય રેલવે મંત્રીએ એમ પણ જણાવ્યું કે, દેશની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઈની વચ્ચે શરૂ થશે. જે કુલ 12 સ્ટેશનને આવરી લેશે. આ સ્ટેશનમાં સૂરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સાબરમતી, બિલીમોરા, ભરુચ, મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી જેવા સ્ટેશન સામેલ છે. આ પૈકી ગુજરાતનું સૂરત સ્ટેશન બુલેટ ટ્રેન માટે દેશનું પહેલુ સ્ટેશન બનશે. આ પહેલા રેલવે રાજ્ય મંત્રી દર્શના જર્દોશે ગુરુવારે સૂરતમાં આકાર લઈ રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમણે સૂરત બુલેટ ટ્રેન સ્ટેશનની ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનો એક પોટો શેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે 508 કિમી અને 12 સ્ટેશનને કવર કરશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે 12 સ્ટેશનને કવર કરતાં આ બુલેટ ટ્રેન અન્ય ટ્રેનોની સરખામણી 2.58 કલાકમાં આ સફર પૂરો કરશે એમ માનવામાં આવી રહ્યું છે. આ બુલેટ ટ્રેન, પોતાની ખાસ ટેકનોલોજી અને સુરક્ષિત સુવિધાઓ માટે જાણીતી જાપાનીઝ કંપની શિંકાનસેન ટેકનોલોજી દ્વારા સંચાલિત કરવામાં આવશે.