કોરોનાઃ 14 ફેબ્રુઆરીથી તમામ ટ્રેનોમાં રાંધેલું ભોજન આપવાનું શરૂ કરશે IRCTC

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-02-2022

સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું (Corona Third Wave) જોર ઘટી રહ્યું છે અને મોટા ભાગના રાજ્યોમાં કેસની સંખ્યા સતત ઘટી રહી છે. જેના કારણે રાજ્યો ધીમે ધીમે કોવિડ-19ના નિયંત્રણો હળવા કરી રહ્યા છે. હવે IRCTCએ પણ મહત્વનો નિર્ણય લીધો છે અને તેણે તમામ ટ્રેનોમાં રાંધેલું ભોજન (Cooked Food) ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આઈઆરસીટીસી 14 ફેબ્રુઆરી સોમવારથી તમામ ટ્રેનોમાં રાંધેલું ભોજન આપવાનું શરૂ કરશે.

ઓમિક્રોન વેરિયન્ટના કારણે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવી છે પરંતુ હવે નવા કેસો અને મૃત્યુઆંકમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. જોકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (World Health Organization) કહ્યું છે કે, કોરોના રોગચાળો હજી ખતમ થયો નથી કેમ કે હજી તેના ઘણા વેરિયન્ટ આવવાની શક્યતા છે. ડબલ્યુએચઓના (WHO) મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને શુક્રવારે જણાવ્યું હતું કે, વિશ્વમાં હજી કોવિડ-19નો અંત આવ્યો નથી કેમ કે હજી ઘણા વેરિયન્ટ આવી શકે છે.

તેમણે કહ્યું હતું કે, આપણે જોયું છે કે કોરોના વાયરસ મ્યુટેટ થઈ રહ્યો છે અને વિકસી રહ્યો છે તેથી આપણે જાણીએ છીએ કે હજી ઘણા વેરિયન્ટ આવી શકે છે. જે વિશ્વ માટે ચિંતાજનક છે અને તેથી આપણે કહી શકીએ નહીં કે કોરોનાનો અંત આવી ગયો છે. સૌમ્યા સ્વામીનાથન હાલમાં ડબલ્યુએચઓના ડાયરેક્ટર-જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ સાથે સાઉથ આફ્રિકામાં વેક્સિન બનાવતી કંપનીની મુલાકાતે ગયા હતા.